Surties : કાપોદ્રામાં ચોરી કરવા જતાં બિલ્ડીંગ પરથી પટકાતા ચોરને મળ્યું મોત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચોરી કરવા ગયેલા તસ્કરનું મોત નીપજ્યું હતું. રાત્રી દરમિયાન તસ્કર કાપોદ્રાની મમતા પાર્ક સોસાયટી વિભાગ-1માં ગયો હતો જ્યાં મકાન નંબર 114ની ક્લિનિંગ ગેલેરીમાંથી તે મૃત હાલતમાં મળી આવતાં સ્થાનિક લોકોએ સવારે પોલીસને જાણ કરતાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક રીઢો ગુનેગાર હતો. 10 થી વધુ ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો.

હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મમતા પાર્કમાં રહેતા રૌનક જાસોલિયાએ જણાવ્યું કે, ‘જ્યારે અમે સવારે 7.30 વાગ્યે ઘરની પાછળની બાજુએ ગેલેરીનો દરવાજો ખોલ્યો ત્યારે અમને ખબર પડી કે ત્યાં કોઈની લાશ પડી છે, તેથી અમે તરત જ પોલીસને જાણ કરી. આસપાસ તપાસ કરતાં પાડોશીની ગેલેરીમાં લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા. શરૂઆતમાં, તે અમને અજાણ્યા જેવું લાગતું હતું. તે કયા હેતુથી આવ્યો હતો તેની મને ખબર નથી, પરંતુ તે ચોરી કરવા આવ્યો હોય તેવું લાગતું હતું. તેનું માથું ફાટ્યું હતું અને તે લોહી વહી રહ્યું હતું. જ્યારે આજુબાજુના ઘરોની તલાશી લેવામાં આવી ત્યારે ત્યાં કોઈ વસ્તુની ચોરી થઈ ન હતી.

કાપોદ્રામાં મૃત હાલતમાં મળી આવેલા યુવકની ઓળખ મૃતક અજય ઉર્ફે બોરો રામુભાઈ વસાવા મમતા પાર્ક સોસાયટી વિભાગ-1એ કરી હતી. અજય સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં 9 ગુના નોંધાયેલા છે. જ્યારે રાજપીપળા અને કોસંબામાં પણ ગુના નોંધાયા છે. હાલ પોલીસે અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.