Surties : ઓટો રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લૂંટતી ટોળકી સક્રિય રાંદેરમાં હીરાના વેપારીની નજર ચૂકવી 3.50 લાખના હીરાની ચોરી

અડાજણ વિસ્તારમાં રહેતો હીરાનો વેપારી ગતરોજ ઓટો રીક્ષા ભાડે કરી ઘર તરફ જવા નીકળ્યો હતો. આ સમયે ઓટો રિક્ષામાં સવાર એક મહિલા સહીત ચાર ઠગબાજ ઈસમોની ટોળકીએ વેપારીને રીક્ષામાં આગળ પાછળ બેસવાનું કહી વેપારીની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી 3.50 લાખના હીરા ભરેલું પેકેટ ચોરી વેપારીને રિક્ષામાંથી ઉતારી દઈ ફરાર થઇ ગયા હતા. જેથી વેપારીએ ઠગબાજ ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

આગળ પાછળ બેસવાનું કહી હીરાનું પેકેટ ચોરી વેપારીને રિક્ષામાંથી ઉતારી દીધા : મહિલા સહીત ચાર સામે ગુનો નોંધાયો

બનાવની વિગત એવી છે કે અડાજણમાં ગૌરવ પથ રોડ પર પાલનપુર ગામમાં સ્મિત રેસિડેન્સીમાં રહેતા ધવલકુમાર મહેન્દ્રકુમાર સોની હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 15 જુલાઈ 2022 ના સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાં તેઓ રૂષભ ચાર રસ્તાથી ઓટોરીક્ષામાં બેસી પાલનપુર જકાતનાકા ખાતે પોતાના ઘર તરફ આવવા નીકળ્યા હતા. આ સમયે રીક્ષામા અગાઉથી જ પાછળની સીટ ઉપર એક સ્ત્રી તેમજ બે ઈસમો બેઠા હતા. આ સમયે તેમની પાસે રિક્ષામાં બેસેલા ઈસમે થોડા આગળ પાછળ બેસો. બેસતા નથી ફાવતુ તેમ કહી અવારનવાર આગળ પાછળ બેસાડી હેરાન પરેશાન કરી તેના ખિસ્સામાં રહેલ 3.50 લાખના હીરા ચોરી કરી લીધા હતા.

હીરા ચોરી થઇ ગયા બાદમાં રીક્ષા ડ્રાઈવરએ જણાવ્યું હતું કે બેસતા ન ફાવતુ હોય તો નીચે ઉતરી જાઓ. જેથી ધવલકુમાર સેલ્બી હોસ્પીટલ પાસે પહોંચી રીક્ષાની નીચે રોડ ઉપર ઉતરી ગયા હતા. જોકે બાદમાં રીક્ષા ચાલક પુરપાટ ઝડપે રીક્ષા હંકારી ફરાર થઇ ગયો હતો. બાદમાં ધવલકુમારે પેન્ટના ખીસ્સામા મુકેલ મરૂન કલરનુ હીરાનુ પર્સ ચેક કરતા ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જેથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા સહીત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ આદરી છે.