Surties : બે સુરતીઓએ અસલી ફૂલોથી તૈયાર કરેલો વિશાળ રાષ્ટ્રધ્વજ બન્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર અને સેલ્ફી પોઇન્ટ

સુરત આખું જાણે દેશભક્તિના ત્રણ રંગોમાં રંગાયું હોય તેવો માહોલ શહેરના માર્ગો, ગલીઓ અને શેરીઓમાં ઊભો થયો છે. જ્યાં જુઓ ત્યાં રાષ્ટ્રધ્વજ જોવા મળી રહ્યા છે. લોકો એક યા બીજી રીતે પોતાની રાષ્ટ્રભાવના પ્રગટ કરી રહ્યા છે.

કોઈએ પોતાના ઘર પર તિરંગો લગાવ્યો છે તો કોઈએ પોતાના ઘર પર તિરંગાના રંગોથી રોશની કરી છે. ત્યારે સુરતના મહિધરપુરા જદા ખાડી વિસ્તારમાં બે સુરતીઓએ દેશપ્રેમની ભાવના અલગ રીતે જ પ્રગટ કરી છે.

સુરતના માળી પરિવારમાંથી આવતા બે યુવાનોએ રીયલ ફ્લાવર્સથી મોટો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો છે. જેમાં તેમણે અસલી ફૂલોથી રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. જેમાં કેસરી, સફેદ અને લીલા એમ ત્રણ રંગના અસલી ફૂલો વાપરવામાં આવ્યા છે તેમજ રાષ્ટ્રધ્વજ માટે વચ્ચે બનેલા અશોક ચક્ર માં ભૂરા રંગના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

માળી પરિવારના આ બે ભાઈઓના જણાવ્યા પ્રમાણે તેમણે આ કૃતિ બનાવવા માટે અંદાજે 200 કિલો અસલી ફૂલનો ઉપયોગ કર્યો છે. 15 બાય 45 નું મોટું આ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે. જે સુરતીઓ માટે ફક્ત સેલ્ફી પોઇન્ટ જ નહીં પરંતુ આકર્ષણનું કેન્દ્ર પણ બની ગયું છે.

મહિધરપુરા વિસ્તારમાં રહેતા લોકો આ રાષ્ટ્રધ્વજ જોવા માટે આવી રહ્યા છે સાથે જ જેમ જેમ લોકોને ખબર પડતી જાય છે તેમ દૂર દૂરથી પણ લોકો અહીં ફોટો પડાવવા અને રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લેવા આવી રહ્યા છે. માળી પરિવારના બે ભાઈઓના જણાવ્યા પ્રમાણે તેમના દ્વારા હજુ 2500 બલૂનનો ઉપયોગ કરીને અન્ય એક કૃતિ પણ બનાવવામાં આવનાર છે.

તેમના કહેવા પ્રમાણે આજે દેશ જ્યારે આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અમે પણ પોતાની રીતે યોગદાન આપવા માંગતા હતા. અમે ફૂલોના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા છે જેથી અમે દેશ માટે અમારી ભાવના ફૂલોથી બનેલા તિરંગા બનાવીને પ્રગટ કરી છે.