શહેરના અડાજણ (Adajan )વિસ્તારમાં રહેતા અને રાંદેર વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારીને ઠગબાજ ભેટી ગયો હતો. ઠગબાજે વેપારીને વિશ્વાસમાં લેવા તેની મામી બીમાર હોવાનું નાટક રચ્યું હતું. બીમાર મામીના ઈલાજ માટે પૈસાની જરૂર હોવાનું કહી પોતાની પાસે મુગલ સમયના ઓરીજનલ સોનાના ૩૦ લાખ રૂપિયાના સિક્કા પડ્યા હોવાનું જણાવી સસ્તામાં આપી દેવાની વાત કરી હતી. જેથી વેપારીને લાલચ જાગતા તે તૈયાર થઇ ગયો હતો અને બાદમાં વેપારીએ નવ લાખ રૂપિયા ચૂકવી સિક્કા લીધા બાદ તેની સાથે ઠગાઈ થયાની જાણ થઇ હતી. જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ફરિયાદના આધારે પોલીસે આ ટોળકીને ઝડપી પાડી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
અડાજણ ગુજરાત ગેસ સર્કલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં મીરાકલ લેડીઝ કોર્નર નામથી કટલરી અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા 42 વર્ષીય નરપતસિંહ પ્રેમસિંહ રાજપુરોહિત (રહે, સત્યમ એપાર્ટમેન્ટ અડાજણ) પાસે ગત તા 16 ઓગસ્ટ રોજ આસરે 35 થી 40 વર્ષનો અજાણ્યો વાળમાં લગાવવા માટેનો કલર અને સેવિંગ ફોમ લેવા માટે આવ્યો હતો. આ અજાણ્યા ઈસમે પોતાની અોળખ શંકર પ્રજાપતિ અને મધ્યપ્રદેશના વતની તરીકે આપી હતી.
બીજા દિવસે અજાણ્યો તેની સાથે એક પુરુષ અને મહિલાને સાથે લાવી તેના મામા-મામી હોવાનુ કહી મામી બિમાર છે. તેની સારવાર કરાવવા માટે પૈસાની જરૂરીયાત છે. મારી પાસે મુગલ સમયના સોનાના 426 સિક્કા છે. તમામ સિક્કાઅો સાચા છે અને સુરત શહેરમાં નવા છે અને કોઈને ઓળખતા નથી જેથી સિક્કાઓ વેચાણ કરવા માટે જઈશુ તો ફસાવી દેશે તેવી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. તમે સારા માણસ લાગો છો. તેમ કહી તેની પાસે રહેતા કાપડની થેલીમાંથી એક સોનાનો સિક્કો સેમ્પલ તરીકે આપી સોની પાસે ચેક કરાવવાનું કહી મોબાઈલ નંબર આવ્યો હતો.
રપતસિંહએ સોની પાસે જઈ સિક્કો ચેક કરાવતા સાચો હતો અને તેની કિંમત રૂપીયા સાડા સાતથી આઠ હજાર હતી. નરપતસિંહએ દુકાને જઈને 426 સિક્કાનો હિસાબ કરતા 30 લાખ રૂપિયા થતા હતા. ત્યારબાદ શંકરને ફોન કરી તેની પાસે આટલા રૂપિયા નથી હોવાનુ કહી સિક્કો લઈ જવા માટે કહ્યું હતું. જોકે શંકરને એક સિક્કાના રૂપિયા 2500 લેખે કુલ રૂપિયા 10.65 લાખની વાત કરી હતી. બીજી તરફ નરપતસિંહએ તેની દીકરીના લગન માટે સોનાના દાગીના લેવાના હતા. જે માટે રૂપિયા ૪.૫૦ લાખ બચાવી રાખ્યા હતા અને બાકીના 4.50 લાખ સગા સંબંઘીઅો પાસેથી લઈ કુલ રૂપિયા 9 લાખ ભેગા કર્યા હતા.
બીજા દિવસે શંકર, તેનો મામો અને મામી દુકાને આવી 426 સોનાના સિક્કાઅો આપી રૂપિયા ૯ લાખ લઈને નાસી ગયા હતા. નરપતસિહએ આ સિક્કા સોનીને બતાવતા તમામ સિક્કાઅો ખોટા હોવાનુ બહાર આવ્યું હતુ. નરપતસિહએ ફોન કરતા શંકરના ફોન સ્વીચ આવતો હતો. જેથી બાદમાં નરપતસિંહને પોતાની સાથે ઠગાઈ થયાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગબાજ ટોળકી સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
Leave a Reply
View Comments