વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે આજરોજ ઓલપાડ ખાતે યોજવામાં આવેલા મેગા મેડિકલ કેમ્પમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાભાર્થીઓ અને કાર્યકરો સંબોધન કરવામાં આવ્યું હતું. તેઓએ ઓલપાડ તાલુકાના વિકાસ કાર્યોની વણથંભી આગેકુચની ભરપેટ પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આજે ઓલપાડ તાલુકા સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
માત્ર એક જ તાલુકામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 16 અલગ – અલગ યોજનાઓ થકી 4.75 લાખ જેટલા નાગરિકોને મળી રહેલો પ્રત્યક્ષ લાભ ખરા અર્થમાં આવકારદાયક છે.
આ દરમ્યાન તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકાર રાજ્યના પ્રત્યેક નાગરિકને વિકાસનો લાભ મળે તે માટે કટિબદ્ધ છે અને તેના થકી જ આ વખત ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ઐતિહાસિક બજેટ રજુ કરવામાં આવ્યું છે.
દેશમાં વિકાસની અવિરત કામગીરીનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જ આપણો દેશ દુનિયાના અર્થતંત્રમાં હરણફાળ ભરી રહ્યો છે અને આજે આપણું અર્થતંત્ર ઈંગ્લેન્ડ જેવા વિકસીત દેશને પછાડીને દુનિયાના પાંચમા નંબરે પહોંચ્યું છે. ડબલ એન્જીનની સરકારનો ઉલ્લેખ કરતાં તેઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન માત્ર રોડ – રસ્તા જ નહીં પરંતુ રસ્તા પર આજીવિકા મેળવતાં અઢી લાખ જેટલા ફેરિયાઓને પણ લોનનો લાભ મળ્યો છે.
રાજ્યમાં કાયદા – વ્યવસ્થા અને કોમી એખલાસનો ઉલ્લેખ કરતાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનને પગલે જ છેલ્લા 25 વર્ષથી રાજ્યના નાગરિકો માટે કર્ફ્યૂ હવે ભૂતકાળ બની ચુક્યો છે. વિકાસની રાજનીતિ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના છેવાડાના નાગરિકને પણ મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનો ભગીરથ પ્રયાસ કર્યો હોવાનું પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.
આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા સંદર્ભે તેઓએ કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું હતું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં પણ સરકારને જે સફળતા સાંપડી છે તે ખરેખર પ્રશંસનીય છે અને હાલ આરોગ્ય ક્ષેત્રે અવિરત આગળ વધી રહેલા ગુજરાત રાજ્યમાં હવે મેડિકલ કોલેજોમાં તબીબી સીટોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવી રહ્યો છે.
Leave a Reply
View Comments