Surties : 100 રૂપિયાએ લીધો જીવ ! પુણાગામ પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડયા

દેવધગામમાં આવેલા ખેતરના કુવામાંથી એક સપ્તાહ અગાઉ એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.મૃતકના હાથ પગ વાયરથી બાંધીને તેની લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હતી.એટલુંજ નહીં લાશ આખી ફૂલી ગઈ હતી જેના કારણે તેની ઓળખ કરવી બહુજ મુશ્કેલ હતું તેમજ તીવ્ર દુર્ગંધ મારતી હતી.આ અંગે જાણ કરવામાં આવતા પુણાગામ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનોની મદદથી લાશને કુવામાંથી બાહર કાઢવામાં આવી હતી.જોકે સપ્તાહ દરમિયાન જ પુણાગામ પોલીસે વણશોધાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

100 રૂપિયા માટે કરાઈ હત્યા

પુણાગામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.પી.સોલંકી સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હત્યાના બનાવમાં મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે ભોળો કાળીદાસ રાઠોડ અને રાજુ (બન્ને રહે-વેડછા ગામ ) ને ઝડપી પાડવામાં આવ્યા છે.આરોપી ભાવેશ ત્યાં જ ખેતરમાં જ કામ કરે છે.મૃતકની લાશ મળ્યાના પાંચેક દિવસ અગાઉ મરણજનાર અને ભાવેશ વચ્ચે 100 રૂપિયા બાબતે ઝગડો થયો હતો જેમાં ભાવેશે તેને મારમારતા તે નીચે પડી ગયો હતો અને માથામાં ઈજા થવાની સાથે તેનું મોત નીપજ્યું હતું.

તેનું મોત થતા ભાવેશે તેને ઉંચકીને કુવામાં ફેંકવાની કોશિશ કરી હતી જોકે તેના એકલાથી લાશ નહીં ઉચકાતા તેને મિત્ર રાજુને બોલાવ્યો હતો અને તેની મદદ લઇ મૃતકના હાથ પગ બાંધીને બન્ને લાશને કુવામાં ફેંકી દીધી હતી.જોકે હાલમાં મરણજનારની ઓળખ નહીં થઇ છે.હત્યાનો બનાવ હોય પોલીસ તપાસ કરી રહી હતી તેમજ આરોપી ભાવેશ પણ ખેતરમાં જ કામ કરતો હોવાની પોલીસને પાક્કી બાતમી મળી હતી જેના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી અને બન્ને ઝડપી લેવામાં આવ્યા.રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને બપોરે કોર્ટમાં રજુ કરવામાં આવશે.