ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ ડીજીપી સહિતના ઉચ્ચાધિકારીઓની બેઠક દરમ્યાન સુરત સહિત રાજ્યની તમામ જેલોમાં દરોડાની કાર્યવાહી અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ગત મોડી રાત્રે સુરતના લાજપોર ખાતે આવેલ સબ જેલમાં પણ મોટી સંખ્યામાં અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટા પાયે દરોડાની કામગીરીને પગલે સબજેલના સ્ટાફ સહિત કેદીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો. લગભગ 11 કલાક સુધી ચાલેલી દરોડાની કામગીરી દરમ્યાન કેદીઓના વિરોધથી માંડીને મોડી સંખ્યામાં તંબાકુ – બીડી અને ચરસ ગાંજાનો જથ્થો મળી આવતાં પોલીસ જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી તરફ જેલના બેરેકની બહાર પેસેજ અને ખુલ્લા વિસ્તારમાંથી પણ 10 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આખી રાત ચાલેલી કામગીરીને અંતે હવે સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે મોડી રાતથી સુરત સહિત અમદાવા, વડોદરા અને રાજકોટની જેલમાં મોટા પાયે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાજપોર ખાતે આવેલ સબજેલમાં ક્રાઈમ બ્રાંચ સહિતના વિવિધ બ્રાંચના અધિકારીઓ સહિત 250 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા રાત્રે 10 કલાકે સબ જેલમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યની સૌથી હાઈટેક અને અત્યાધુનિક ગણાતી લાજપોર જેલમાં 2500થી વધુ પુરૂષ અને મહિલા કેદીઓ અને આરોપીઓ સજા ભોગવી રહ્યા છે. આ સિવાય અલગ – અલગ અપરાધોમાં સંડોવાયેલા ગુજસીટોકના કુખ્યાત કેદીઓ પણ લાજપોરમાં સજા કાપી રહ્યા છે. આ દરમ્યાન લાજપોર જેલમાં એક પછી એક બેરેકમાં મોટા પાયે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કેદીઓના કપડાંથી માંડીને ગાદલાં – તકિયા સહિતનો માલ – સામાન ચેક કરવામાં આવતાં પોલીસ પણ ચકિત થઈ ગઈ હતી. રાત્રે 10 કલાકે શરૂ કરવામાં આવેલી દરોડાની કામગીરી દરમ્યાન મોડી રાત્રે 3.30 કલાક સુધી અધિકારીઓ રોકાયા હતા અને સચીન પોલીસના સ્ટાફ દ્વારા સવારે 9 કલાકે સત્તાવાર દરોડાની કામગીરી પૂરી કરવામાં આવી હતી.
દરોડાની કામગીરી પુરી થયાં બાદ સચીન પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઝડપાયેલા માલ – સામાન અને મોબાઈલ સહિતના મુદ્દામાલ અંગેની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
જેલમાંથી 10 મોબાઈલ મળી આવ્યા
રાત્રે 10 વાગ્યાથી સબજેલમાં મોટા પાયે દરોડાની કામગીરી દરમ્યાન પોલીસ જવાનો દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન જેલના અલગ – અલગ વિસ્તારોમાંથી પોલીસને એક – બે નહીં પરંતુ 10 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે ઝડપી પાડવામાં આવેલા તમામે તમામ મોબાઈલ ફોન ખુલ્લા વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. જેને પગલે કેદીઓ દ્વારા આ મોબાઈલ ફોન પોલીસના દરોડાની કામગીરીને પગલે ફેંકી દેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. સચીન પોલીસ દ્વારા આ અંગે સત્તાવાર ફરિયાદ દાખલ કરવાની સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એનડીપીએસ હેઠળ ફરિયાદ દાખલ
લાજપોર જેલમાં દરોડાની કામગીરી દરમ્યાન તમામ બેરેકમાં ગાદલાં – તકીયાથી માંડીને કેદીઓના કપડાંઓની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આખી રાત ચાલેલી કામગીરી દરમ્યાન પોલીસ જવાનોને અલગ – અલગ બેરેકમાંથી 65 ગ્રામ ગાંજો અને સાત ગ્રામ ચરસની પડીકીઓ મળી આવી હતી. આ સિવાય તંબાકુ અને ગુટખાનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેને પગલે ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ સચીન પોલીસ મથકમાં આ અંગે એન.પી.ડી.એસ. હેઠળ પીએસઆઈ એસ.સી. સંગાડા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બેરેકના પેસેજમાં કેદીઓએ આગ લગાવી
શહેરના છેવાડે આવેલી લાજપોર જેલમાં પોલીસના દરોડાના સમાચાર પુરા શહેરમાં વાયુ વેગે પ્રસરી ગયા હતા. બીજી તરફ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ અને આરોપીઓમાં પણ આ દરોડાની કામગીરીને પગલે સોપો પડી જવા પામ્યો હતો. એક તબક્કે જેલમાં આવેલ રમઝાન બેરેકના પેસેજમાં કેટલાક કેદીઓ દ્વારા કપડાંઓ બાળવાને કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. રાતના અંધારામાં પોલીસની તપાસ ઝુંબેશને અટકાવવા માટે કાંકરીચાળો કરનારા કેદીઓને પગલે જેલમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે, પોલીસ દ્વારા હવે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Leave a Reply
View Comments