સમગ્ર રાજ્યમાં ‘સુરત’ મોખરે : આ બંને વિદ્યાર્થીઓએ સુરતનું નામ રોશન કર્યું, પિતાનો વ્યવસાય જાણીને તમે વિશ્વાસ નહિ કરી શકો

surties

એ-1 અને એ-2 ગ્રેડ મેળવવામાં સુરતના વિદ્યાર્થીઓ અવ્વલ. આજે ધોરણ 12 સાયન્સના જાહેર થયેલા પરિણામમાં વધુ એક વખત સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ધો. 12 સાયન્સના જાહેર થયેલ પરિણામમાં સુરત કેન્દ્રનું પરિણામ 71.15 ટકા જાહેર થયું છે. અલબત્ત, સમગ્ર રાજ્યમાં એ-1 અને એ-2 ગ્રેડ મેળવવામાં પણ સુરતના વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા છે. ચાલુ વર્ષે પરીક્ષા પૂર્ણ થયા બાદ રેકોર્ડ બ્રેક સમયમાં ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

ધો. 12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં સુરતે બાજી મારી છે અને રાજ્યના 65.58 ટકાની સામે સુરત શહેર – જિલ્લાનું પરિણામ 71.17 ટકા નોંધાયું છે.

surties

પીપી સવાણીનો યુગ ખોખરીયા સમગ્ર રાજ્યમાં પ્રથમઆવ્યો છે ને યુગે 500માંથી 475 માર્ક્સ મેળવ્યા છે. યુગ રમેશભાઈ ખોખરીયાએ બોર્ડ પરિણામમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવતાં હર્ષની લાગણી છવાઈ જવા પામી છે. મુળ રાજકોટ જિલ્લાના ગુંદાળા ગામના વતની અને હાલમાં હીરાબાગ સર્કલ પાસે સંતલાલ સોસાયટીમાં રહેતા પિતા રમેશભાઈ ખોખરીયા એમ્બ્રોયડરી જોબવર્કનું કામ કરે છે. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતાં રમેશભાઈ ખોખરીયાના પુત્ર યુગે આજે ધો. 12 સાયન્સ પ્રવાહના પરિણામમાં 500માંથી 475 માર્ક્સ મેળવવાની સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. અથાગ મહેનત અને સતત અભ્યાસની સાથે શાળાના શિક્ષકોના નિયમિત માર્ગદર્શનને પગલે અવિશ્વસનીય સફળતા મેળવનાર યુગ ખોખરીયાએ પીપી સવાણી શાળાની સાથે – સાથે સમગ્ર શહેરનું નામ રોશન કર્યું છે. આ અંગે યુગ ખોખરીયાએ જણાવ્યું હતું કે, તેનું સ્વપ્ન દિલ્હી ખાતે આવેલ એઈમ્સમાંથી એમબીબીએસ કરવાનું છે.

surties

અમરોલી ખાતે રહેતા અને વિમા એજન્ટ તરીકે કામ કરતાં રસિકભાઈ પાનસુરિયાના પુત્ર ધ્રુવે આજે જાહેર થયેલ ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ મેળવતાં સમાજની સાથે સાથે સમગ્ર શહેરનું નામ રોશન થયું છે. પીપી સવાણી શાળામાં જ અભ્યાસ કરતાં ધ્રુવ પાનસુરિયાની આ સિદ્ધિને શાળા સંચાલકો દ્વારા પણ વધાવી લેવામાં આવી હતી. મુળ જામનગર જિલ્લાના મકરાણી ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં સ્થાયી થયેલા રસિકભાઈ વિમા એજન્ટ તરીકે કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના પુત્ર ધ્રુવ પાનસુરિયાએ આજે સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 માર્ક્સ મેળવીને શાળા અને પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સુરતનું નામ ગુજરાતમાં રોશન કર્યું છે. પરિણામને બાદ ઉત્સાહિત ધ્રુવે આઈઆઈટીમાં ઈલેક્ટ્રોનિકસ વિભાગમાંથી અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આજે સવારથી જ શહેરની તમામ શાળાઓમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહ સાથે પહોંચ્યા હતા. છેલ્લા એક વર્ષની અથાગ મહેનત અને ઉજ્જવળ ભવિષ્યની અપેક્ષા સાથે શાળાએ પરિણામ લેવા માટે પહોંચેલા વિદ્યાર્થીઓ પૈકી પરિણામ નિહાળીને કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ જોવા મળ્યા હતા. અલબત્ત, આજે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ બાદ હવે વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણ પત્ર શાળાઓને બાદમાં મોકલવામાં આવશે.

વરાછાનું સૌથી વધુ જ્યારે માંડવીનું સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું. જો કે, સુરત શહેર – જિલ્લામાંથી 14,943 વધુ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી જેમાંથી 4319 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ધો. 12 સાયન્સ પ્રવાહના આજે જાહેર જાહેર થયેલા પરિણામમાં સમગ્ર રાજ્યમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો છે. જો કે, સુરત શહેર – જિલ્લાના તમામ કેન્દ્રો પૈકી વરાછાના વિદ્યાર્થીઓએ વધુ એક વખત ધો. 12ના સાયન્સ પ્રવાહમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હતું. બીજી તરફ માંડવી કેન્દ્રનું પરિણામ સૌથી વધુ નિરાશાજનક જોવા મળ્યું હતું.

સુરત શહેર – જિલ્લાના તમામ કેન્દ્રોનું એકંદરે 71.17 ટકા પરિણામ જાહેર થયા બાદ અલગ – અલગ કેન્દ્રોના પરિણામમાં વરાછા કેન્દ્રનું પરિણામ 82.44 ટકા પરિણામ આવ્યું છે. આ સિવાય સુરત સિટીનું 73.14 ટકા, કામરેજનું 70.35 ટકા, કીમનું 51.78, રાંદેરનું 75.01 ટકા, નાનપુરાનું 72.17 ટકા, ઉધનાનું 55.29 ટકા, વાંકલનું 57.74 ટકા અને સૌથી ઓછું પરિણામ માંડવીનું માત્ર 38.64 ટકા નોંધાયું છે.

આશાદીપ દ્વારા વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાની ભેંટ. આજરોજ જાહેર થયેલા ધો. 12 સાયન્સ પ્રવાહના પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષથી નિરંતર અભ્યાસ બાદ આજે પરિણામ લેવા માટે પહોંચેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ નજરે પડી રહ્યા હતા. જો કે, ધાર્યા કરતાં ઓછા માર્ક્સ મળ્યા હોવાની લાગણી પણ વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ શહેરની એક શાળા દ્વારા આજરોજ એ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા પુસ્તક ભેંટમાં આપવામાં આવી હતી.

surties

આ અંગે વધુ માહિતી આપતાં આશાદીપ સ્કૂલ ઓફ ગ્રુપના સંચાલક શૈલેષ રામાણીએ જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવું પુસ્તક છે કે જેમાં જીવનના દરેક સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે. વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં પોતાના પરિવારથી દૂર ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે બહાર જશે ત્યારે આ પુસ્તક તેમનો સહારો બનશે. જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી અનુભવશો કે એકલતા અનુભવશો અથવા તો કોઈ માર્ગ ન જડે ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સહારે તેઓ આગામી તમામ પ્રકારના પડકારોને ઝીલી શકશે.