Surties : શું સુરત પોલીસ અપાવશે આ શિક્ષકને ન્યાય ? આચાર્યે જ કરી છે કરોડોની છેતરપીંડી

સુરતના એક શિક્ષક સાથે શાળાના પ્રિન્સિપલ અને તેના પતિ દ્વારા છેતરપિંડી નો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસડીજૈન શાળામાં સુનિલ પિલ્લાઈ વર્ષ 2017-18 માં શિક્ષક તરીકે જોડાયા હતા. તે સમયે શાલીની ઓઝા ત્યાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જે હાલ પલસાણાની એસ.ડી.જૈન શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

શાલીની ઓઝા અને તેમના પતિ પ્રમોદ ઓઝા દ્વારા ફરિયાદી સુનિલ પિલલાઈને દર મહિને લાખોની કમાણી કરવા માટે લાલચ આપવામાં આવી હતી. જે માટે તેમણે મશીનિંગ નાખવા જણાવ્યું હતું. અને રોકાણ કરવાનું કહ્યું હતું. દર મહિને તેઓ આઠથી દસ લાખ કમાશે તેવી લાલચ આપીને તેઓએ સુનિલ પિલ્લાઈ પાસે 1.60 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ ના નામે પડાવી લીધા હતા.

સુરતની ફેક્ટરી ધરાવતા શાલિની ઓઝા અને તેમના પતિ પ્રમોદ ઓઝા સાથે અન્ય ત્રણ ભાગીદાર જે મૂળ મુંબઈના છે. તેઓએ પણ ભાગીદારીમાં આ ચિટિંગમાં શિક્ષકને છેતર્યા હતા.

તેઓએ સુનિલ પિલ્લાઈ પાસે વર્ષ 2018માં 1.60 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જોકે સુનિલ પિલ્લાઈ પોતે છેતરાયા છે તે બાબતની જાણ તેમને ત્યારે થઈ જ્યારે તેઓને તેમને ખબર પડી કે જે મશીન માટે તેમણે કરોડો રૂપિયા ખર્ચ્યા છે તેની કિંમત ફક્ત 60 લાખ જેટલી છે.

પોતે છેતરાયા હોવાની જાણ થતા તેઓએ ફરી તેમની પાસે જ્યારે પૈસા માંગ્યા ત્યારે તેમણે ગલ્લા તલ્લા કરવાનું શરૂ કરી દીધું. જોકે બાદમાં મુંબઈના ભાગીદાર સતીશ મંજુનાથ દ્વારા સુરતની કંપનીને આ મશીન 1.59 કરોડમાં વેચવા માટે જણાવવામાં આવ્યું હતું.જે બદલામાં તેઓ તેમને દર મહિને હપ્તા દ્વારા તેમના બાકી નીકળતા નાણાંની રૂપિયાની ચુકવણી કરી દેશે તેવી હૈયા ધરપત આપી હતી.

જોકે 1.60 કરોડની સામે તેમના દ્વારા અત્યાર સુધી ટુકડે ટુકડે માત્ર 7.50 લાખ રૂપિયા જેટલી રકમ જ આપવામાં આવી છે જ્યારે બાકીની રકમ બાબતે તેમને હજી પણ ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સુનિલ પિલલાઈએ પોતાને ન્યાય અપાવવા અપીલ તો કરી જ છે સાથે સાથે તેઓને સુરત પોલીસ પાસે પણ અપેક્ષા છે કે તેઓને સાથે જ આ છેતરપિંડી થઈ છે તેમાં તેમને ન્યાય જરૂર મળશે.