Surat : હું ગુનેગાર હોઉ તો મને ફાંસીએ ચઢાવોઃ ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અસભ્ય ટિપ્પણી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જોકે, આ સંદર્ભે આજે ગોપાલ ઈટાલિયા દ્વારા પોતાના વાયરલ વીડિયો અંગે નરો વા કુંજરો વાની નીતિ અપનાવવાની સાથે સાથે ભાજપને જ ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

વાયરલ વીડિયો અંગે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કે ચોખવટ કરવાને બદલે ગોપાલ ઈટાલિયા દ્વારા આ સમગ્ર પ્રકરણમાં ભાજપને પાટીદાર સમાજ વિરૂદ્ધ ચિતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓએ આ દરમ્યાન વધુમાં જણાવ્યું હતું કે, જો મારો કોઈ વાંક હોય તો મને ફાંસીને માચડે ચઢાવી દેવામાં આવે પરંતુ ગુજરાતની જનતા જે મોંઘવારી – બેરોજગારી જેવા મુદ્દે પ્રશ્નો ઉઠાવી રહી છે તેનો જવાબ ભાજપે આપવો પડશે.

ગુજરાત વિધાનસભા ચુંટણીના પડઘમ વચ્ચે હાલમાં જ સોશ્યલ મીડિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો વાયરલ થયેલો વીડિયો વિવાદનું કેન્દ્ર બનવા પામ્યો છે. વીડિયોમાં ગોપાલ ઈટાલિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અણછાજતા શબ્દોનો ઉપયોગ કરવાની સાથે સાથે અસભ્ય ભાષા ઉચ્ચારવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો છે.

જો કે, આ અંગે ગોપાલ ઈટાલિયા દ્વારા શહેરમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરીને સમગ્ર પ્રકરણમાં પોતાનો બાલિશ બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પત્રકાર પરિષદ દરમ્યાન તેઓએ વીડિયો અંગે કોઈપણ પ્રકારની ચોખવટ કરવાને બદલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ છેલ્લા 27 વર્ષનો હિસાબ આપવાને બદલે આ રીતે જુના વીડિયો વાયરલ કરીને મોંઘવારી – બેરોજગારી જેવા પ્રાણ પ્રશ્નોથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આગામી વિધાનસભાની ચુંટણીમાં આરોગ્ય – શિક્ષણ અને વિજળી જેવા મુળભુત પ્રશ્નો સાથે ગુજરાતની જનતાના મુદ્દા ઉઠાવનાર આદ આદમી પાર્ટીની હાજરીથી ભાજપના પેટમાં દુઃખાવો ઉપડ્યો છે. અકળાયેલા ભાજપના નેતાઓ દ્વારા આ રીતે જુના વીડિયો વાયરલ કરીને પોતાની માનસિકતા છતિ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરતાં ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો ગોપાલ ઈટાલિયા ગુન્હેગાર હોય તો તેને ફાંસીએ ચઢાવી દો. ગોપાલને મારી નાખો પણ ગુજરાતની જનતાને મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દે જવાબ આપવા માટે ભાજપને સ્પષ્ટ ટકોર કરી હતી.