સુરત શહેર – જિલ્લામાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા વચ્ચે આજે સવારથી મેઘરાજાએ વધામણાં કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે – સાથે રાબેતા મુજબ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી. ગઈકાલે મોડી રાતથી જ સુરત શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદને પગલે વાતાવરણમાં પણ આજે સવારથી ઠંડક પ્રસરી જતાં નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં વરાછા એ ઝોનમાં સૌથી વધુ દોઢ ઈંચ જેટલો જ્યારે જિલ્લાના માંડવી તાલુકામાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ફ્લડ કંટ્રોલ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગઈકાલ મોડી રાતથી જ સુરત શહેર – જિલ્લામાં મેઘમ્હેર જોવા મળી હતી. સુરત શહેરના તમામ ઝોન વિસ્તાર પૈકી સેન્ટ્રલ ઝોનમાં 19 મીમી, રાંદેર ઝોનમાં 9 મીમી, કતારગામમાં 10 મીમી, વરાછા – એ ઝોનમાં 32, વરાછા ઝોન – બીમાં 27 મીમી, લિંબાયતમાં 28 મીમી, અઠવા ઝોનમાં 15 મીમી અને ઉધના ઝોનમાં 19 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લામાં માંડવી તાલુકામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.
જ્યારે ઉમરપાડામાં 19 મીમી, ઓલપાડમાં 16 મીમી, કામરેજમાં 35 મીમી, ચોર્યાસીમાં 20 મીમી, પલસાણામાં 14 મીમી, બારડોલીમાં 35 મીમી, મહુવામાં 39 મીમી અને માંગરોળમાં 31 મીમી વરસાદ નોંધાયો છે. આ દરમ્યાન આજે સવારે ઉકાઈ ડેમની સપાટી 336.06 ફુટ નોંધાવા સાથે હાલ ઉકાઈ ડેમમાં 43 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાવા પામી છે. અલબત્ત, ઉકાઈ ડેમમાંથી હાલ 12 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને કોઝવેની સપાટી 6.78 મીટરે પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે – ત્રણ દિવસથી સુરત શહેર સહિત જિલ્લામાં ભારે બફારા વચ્ચે અસહ્ય ઉકળાટને કારણે નાગરિકો ભરચોમાસે પરસેવે રેબઝેબ નજરે પડ્યા હતા. આ દરમ્યાન ગઈકાલે સાંજથી જ વાદળોની સંતાકુકડી વચ્ચે મોડી રાતથી મેઘ મ્હેરને પગલે આજે સવારથી વધુ એક વખત વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સપ્ટેમ્બર મહિનાના પ્રારંભ સાથે જ મેઘરાજાના ત્રીજા રાઉન્ડના પ્રારંભ વચ્ચે આજે સવારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી હતી.
Leave a Reply
View Comments