સુરતનું વહીવટીતંત્ર એલર્ટ : 7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહેલું વાવાઝોડું

Surat Administration Alert : Cyclone moving at 7 kmph
Surat Administration Alert : Cyclone moving at 7 kmph

પોરબંદરથી દક્ષિણ – પૂર્વમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડું હાલ દરિયા કાંઠેથી 940 કિલોમીટરના અંતરે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં આ વાવાઝોડું ઉત્તર દિશામાં અને ત્યારબાદ ઉત્તર -પશ્ચિમ દિશામાં ગતિ કરી શકે છે. હાલમાં આ વાવાઝોડાનું સાત કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે.

જેને પગલે સતત બીજા દિવસે જિલ્લા કલેકટર કચેરીમાં વાવાઝોડાને પગલે રાહત – બચાવ અને તકેદારી અંગેની કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં વાવાઝોડાનું ઝડપને ધ્યાને રાખીને સંભવતઃ આગામી ત્રણ દિવસમાં વાવાઝોડું સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાંઠાને ઘમરોળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે જિલ્લા કલેકટર દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની આશંકાને પગલે જિલ્લા કલેકટર સહિત સુરત મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર પણ સાબદું થઈ ચુક્યું છે. આ સિવાય પોલીસ અને ફાયર વિભાગ દ્વારા પણ સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 11મી અને 12મી તારીખે રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારોમાં 33થી 55 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટકી શકે છે.

જેને પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં છુટ્ટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગઈકાલે જ સુરત જિલ્લા કલેકટરના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ઓલપાડ, મજુરા અને ચોર્યાસી તાલુકાના 42 ગામોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ ગામોમાં વાવાઝોડાને પગલે નાગરિકોના સ્થળાંતર માટે આશ્રય સ્થાન સહિત ચેતવણી એનાઉન્સ માટેની વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.