કતારગામ વિસ્તારમાં રહેતી પરિણીતા ગતરોજ પાડોશી મહિલાઓ સાથે ચાલતા ચાલતા કામ અર્થે જવા માટે નીકળી હતી. ત્રણ મહિલાઓ લલીતા ચોકડીથી રાશી સર્કલ વચ્ચેથી ચાલતા ચાલતા પસાર થઇ રહી હતી ત્યારે એક બાઈક પર આવેલ ઈસમ ત્રણ પૈકી એક પરિણીતાના ગળામાંથી રૂપિયા 50 હજારની સોનાની ચેઇન ખેંચી લઇ ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે પરિણીતાએ પતિને જાણ કરતા તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને બાદમાં તેઓએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સ્નેચર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે કતારગામ લલિત ચોકડી પાસે આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય ધર્મેશભાઈ નરશીભાઈ અકબરીએ ગતરોજ કતારગામ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગતરોજ રાત્રે ૯.૧૫થી 9.30 વાગ્યાના અરસામાં ધર્મેશભાઈની પત્ની, પાડોશી રીટાબેન અને વસંતબેન ચાલતા ચાલતા નીકળ્યા હતા. તેઓ લલીતા ચોકડીથી રાશી સર્કલ તરફ ચાલતા- ચાલતાં નીલકંઠ હોસ્પીટલ પાસેથી પસાર થતા હતા ત્યારે એક સફેદ અને કેસરી કલરના પટ્ટાવાળી પ્લેઝર મોપેડ પર એક ઈસમ આવ્યો હતો. હજુ આ ત્રણેય મહિલાઓ કઈ વિચારે તે પહેલા જ મોપેડ ચાલક ઈસમે ધર્મેશભાઈની પત્નીના ગળામાં પહેરેલ 50 હજારની કિંમતનું 13 ગ્રામ સોનાનું મંગળસૂત્ર ખેંચી મોપેડ પૂર ઝડપે ચલાવી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે ધર્મેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Leave a Reply
View Comments