Surat : ગુજરાતના લોકોને પણ ફ્રી વીજળી આપવાની કેજરીવાલની ગેરન્ટી, કહ્યું કામ ન કરીશું તો બીજી વાર વોટ નહિ આપતા

Kejriwal in Surat. Surat News - Surties

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટે હવે તમામ પાર્ટીઓએ કસરત શરૂ કરી દીધી છે ત્યારે આમ આદમી પાર્ટી એ પણ હવે વિધાનસભા જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

સુરત આવેલા અરવિંદ કેજરી વાલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેમણે ગુજરાતના લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે એક વાર હું ફ્લાઇટમાં આવતો હતો ત્યારે એક વ્યક્તિએ હાથ પકડીને કહ્યું હતું કે ગુજરાતને બચાવી લો. કારણકે અહીં 27 વર્ષથી એક પાર્ટી શાસન કરે છે. આટલા વર્ષમાં કોઈપણ પાર્ટીને ઘમંડ આવી જાય છે.

અરવિંદ કેજરીવાલ એ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં હાલમાં સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. લોકોની આવક વધતી નથી બીજી તરફ તેમના ખર્ચ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટી શાસનમાં આવશે તો લોકોને દિલ્હી અને પંજાબની જેમ વીજળી ફ્રી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલ એ ગુજરાતમાં આ પહેલી ગેરેન્ટી આપી હતી. અને કહ્યું હતું કે જો કામ ન થાય તો બીજી વાર અમને વોટ આપતા નહીં. તેઓએ દિલ્હી અને પંજાબમાં જે પ્રકારે કામ કર્યું છે તે પ્રકારનું કામ ગુજરાતમાં પણ કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા ની સાથે જ પહેલા ત્રણ મહિનામાં 300 યુનિટ ફ્રી કરવામાં આવશે. ગુજરાતમાં 24 કલાક વીજળી આપવામાં આવશે અને તે પણ પાવર કટ વગર તદ્દન ફ્રી. 31 ડિસેમ્બરથી લઈને જુના જેટલાના પણ બિલ બાકી હશે તે તમામ બીલો માફ કરવાની વાત પણ અરવિંદ કેજરીવાલે કરી હતી.