તેજ પવનો હજી પણ યથાવત : ભેસ્તાનમાં પાણીની ટાંકી ઉડીને પડતા યુવક ઈજાગ્રસ્ત

Strong winds still persist: Youth injured after water tank falls in Bhestan
Strong winds still persist: Youth injured after water tank falls in Bhestan

શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી બિપરજોય વાવાઝોડાને કારણે ભારે પવનો ફુંકાવવાનું શરૂ થયું છે. ગુજરાતમાંથી આગળ વધીને બિપરજોય વાવાઝોડું હવે રાજસ્થાન સુધી પહોંચ્યું છે તેમ છતાં સુરતમાં આજે પણ ભારે પવન સાથે છુટ્ટોછવાયો વરસાદ નોંધાયો છે. ભેસ્તાન ખાતે ભારે પવનને કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ પર ધાબા પરથી પાણીની ટાંકી પટકાતાં ઈજા પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં પણ અરેરાટી ફેલાઈ જવા પામી છે.

ભેસ્તાન ખાતે આવેલ ઈડબ્લ્યુએસ આવાસમાં એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન આવાસમાં ધાબા પર મુકવામાં આવેલી પાણીની ટાંકી ભારે પવનને કારણે ઉડીને રસ્તા પર ચાલી રહેલા વ્યક્તિના માથે પટકાઈ હતી. અચાનક પાણીની ટાંકી પટકાતાં આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં પાણીની ટાંકીની નીચે દબાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે, આ દુર્ઘટના સમયે જ બાજુમાંથી પસાર થઈ રહેલી એક અન્ય બાળકીનો આબાદ બચાવ થયો હતો.