સુરતમાં બિપરજોય વાવાઝોડાને પગલે છેલ્લા બે દિવસથી ભારે પવન ફુંકાવવાની શરૂઆત થઈ છે. દરિયા કાંઠે 50 કિલોમીટરની ઝડપે ફુંકાતા પવનને પગલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વિવિધ પગલાં ઉઠાવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ સુરત મહાનગર પાલિકા દ્વારા પણ ભારે પવન ફુંકાવવાની શક્યતાઓને પગલે હાઈમાસ્ટ લાઈટ સહિત બેનરો – હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, આજે કોઝવે પાસે એક વીજપોલ ધરાશાયી થતાં બાઈક પર પસાર થઈ રહેલ દંપત્તિ પૈકી મહિલાને ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુંછે.
આજે પણ સવારથી સુરત સહિત કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાતા વાહન ચાલકોથી માંડીને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર ધુળની ડમરીઓને કારણે લોકોને સતત બીજા દિવસે પણ હેરાનગતિ ઉઠાવવી પડી છે. આજે શહેરના કોઝવે પાસે આવેલ એક વીજપોલ ભારે પવનને કારણે અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જેને પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલ બાઈક સવાર દંપત્તિ પૈકી મહિલાના માથાના ભાગે વીજ પોલ પડતાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પગલે આસપાસના લોકોનું ટોળું ઘટના સ્થળે એકત્રિત થઈ ગયું હતું. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને ઘાયલ મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો અને વીજ પ્રવાહ બંધ કરાવ્યા બાદ વીજ પોલને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Leave a Reply
View Comments