શહેરના લિંબાયતમાં આગામી 26મી અને 27મીના રોજ બાગેશ્વર ધામના દરબાર માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે બે લાખ શ્રદ્ધાળુઓ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજના દિવ્ય પ્રવચનનો લાભ લેવા માટે ઉમટશે. આ સ્થિતિમાં નિલગીરી સર્કલ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થાથી માંડીને વાહન પાર્કિંગ માટેની પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ માટે ગ્રાઉન્ડની આસપાસ છ સ્થળો પાર્કિંગ માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે પૈકી સભા સ્થળ પાસે વીવીઆઈપી અને વીઆઈપી પાર્કિંગ સહિત આસપાસના વિસ્તારમાં અન્ય ચાર સ્થળો પાર્કિંગ માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે.
આ સંદર્ભે શહેરની બાગેશ્વર સરકાર આયોજન સમિતિના જણાવ્યા અનુસાર આગામી 26મીથી બે દિવસ સુધી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું સાંજે 5થી 10 કલાક સુધી આયોજન કરવામાં આવશે. નીલગિરી સર્કલ ખાતે વિશાળ પ્લોટમાં યોજાનારા આ કાર્યક્રમમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓના આગમનની શક્યતાને પગલે અંતિમ તબક્કાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને વાહન પાર્કિંગમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે સભા સ્થળની આસપાસ છ પ્લોટો પાર્કિંગ માટે એલોટ કરવામાં આવ્યા છે.
જેમાં 10 હજાર જેટલા ફોર વ્હીલથી માંડીને ટુ વ્હીલર પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. કાર્યક્રમની સ્થળની આસપાસ રૂદ્રા વિલા બંગલો, સુમન સ્કુલ રામેશ્વર નગર, મહર્ષિ આસ્તિક સ્કુલ અને મમતા ટોકીઝના ગ્રાઉન્ડમાં વાહન ચાલકો માટે પાર્કિંગ સુવિધા ઉભી કરાઈ છે. જ્યારે કાર્યક્રમ સ્થળની પાસે વીવીઆઈપી અને વીઆઈપી મહેમાનો – શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
Leave a Reply
View Comments