સ્કેમ ૨૦૦૩ : અબ્દુલ કરીમ તેલગી ના બહુચર્ચિત સ્ટેમ્પ સ્કેમ ઉપર બનેલી આ વેબ સિરીઝ ને સ્કેમ ૧૯૯૨ જેવી અતિસફળ સિરીઝ ના પડછાયા હેઠળ એક ફાયદો હતો તો એક ગેરફાયદો.ફાયદો એ કે હર્ષદ મહેતા વાળી સિરીઝે લોકોને મોહિત કરી દીધેલા.અને પ્રતીક ગાંધી એ હર્ષદ મહેતા તરીકે અમીટ છાપ છોડી દીધેલી.એટલે જયારે એના થી મોટા સ્કૅમની વાર્તા ની વાત આવે ત્યારે ઓડિયન્સ નો રિસ્પોન્સ અદભુત જ હોવાનો.જયારે ગેરફાયદો એ હતો કે એ જ પડછાયો આ સિરીઝ ની ઓડિયન્સ ની અપેક્ષાઓ પર ખરી ઉતરશે કે કેમ?
તુષાર હીરાનંદાની,હંસલ મહેતા એ મળીને આ સીરીઝને ઓડિયન્સ ની અપેક્ષાઓ પર ધરખમ રીતે સફળ બનાવી છે.આ સિરીઝ ને સ્કેમ ના પહેલા ભાગ સાથે કોઈ નિસબત નથી સિવાય કે અચિંત નું બનાવેલું ફેમસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક.ગગન દેવ રિયાર નામના સાઈડ એક્ટરના રોલમાં કામ કરનારા કલાકારને ડિટ્ટો અબ્દુલ કરીમ તેલગી બનાવીને હંસલભાઈ એન્ડ ટીમે એટલું સાબિત કરી દીધું કે સિરીઝ હોય કે ફિલ્મ પણ જો વાર્તામાં અને તેને પ્રેઝન્ટ કરવાની સ્ટાઈલમાં દમ હોય તો ઓડિયન્સ એ નથી જોતી કે જાણીતો કલાકાર છે કે નહિ.ગગનભાઈ એ પોતાને મળેલી તકનો ભરપૂર ઉપયોગ કરીને આપણને તેલગી ને જ જોતા ને માણતા હોય એવો અદભુત અનુભવ કરાવ્યો છે.ફિલ્મ માં રિયાલિસ્ટિક લાગે તેવા તમામ પાત્રો ને સાથે જોડીને ટેક્નિકલ ટીમે એક પછી એક એપિસોડ દ્વારા આપણે તેલગી ની બનાવેલી માયાજાળ ની દુનિયામાં ઉતરતા જ જઈએ એવી સફળ મહેનત કરી છે.
આ તો થઇ સિરીઝ ની વાત.
હવે જો વાત કરીએ અસલી તેલગીની તો એની જીવન કથની માં થી શીખવા જેવું કશું જ નથી.ફક્ત શીખ જ છે.માનીએ કે ખાનાપુર જેવા નાનકડા ગામ માં ફ્રૂટ વેચીને ઝુગ્ગીમાં રહીને ગુજરાન ચલાવતા અબ્દુલ તેલગી એ ખુબ સંઘર્ષમય જીવન શરૂઆતમાં જીવ્યું પણ એ દુઃખી જીવન તેલગીને કે એવા કોઈને પણ ફક્ત લાંચ અને ચોરી દ્વારા ૩૦૦૦૦ કરોડ નું સ્કેમ કરવાની પરવાનગી નથી આપતો.આવા માણસો નો અંત બૂરો આવે એ આપણે બધા જાણીએ જ છીએ.પણ જયારે તેલગી એક પછી એક એપિસોડમાં ખોટા કામો દ્વારા સફળતા મેળવતો જાય અને બેકગ્રાઉન્ડમાં સ્કેમ નું ફેમસ બેકગ્રાઉન્ડ સ્કોર વાગે ત્યારે ભલભલા ને એમ થાય કે વાહ બાપુ શું કમાલ કર્યો.પણ તમે સિરીઝ ને ધ્યાન થી જુઓ તો તમને ખબર પડે કે તેલગી એ આગળ વધવા ચોરીચકારી કરી કે સરકારી અધિકારીઓ થી માંડીને મિનિસ્ટર સુધી તમામ ને લાંચ આપીને પોતાનો ઉલ્લુ સીધો કર્યો એમાં કોઈ જ આવેશમાં આવીને વાહ કરવાની થતી નથી.ખોટા રસ્તે તો હર્ષદ મહેતા પણ ચાલેલો એ આપણે સ્કેમ ના પહેલા પાર્ટમાં જોયેલું પણ હર્ષદ મહેતા એ ટ્રેનમાંથી ચોરી નહિ કરેલી.એ બારગર્લ પાછળ એક નાઈટમાં ૯૦ લાખ રૂપિયા (૨૦૦૦ ની સાલમાં)નહોતો ઉડાવતો.એના પાર્ટનર્સ ચોર ઉચક્કા કે જેલ ના ગુનેગારો નહોતા.
અબ્દુલ કરીમ તેલગી નું જીવન કુખ્યાત કહી શકાય પણ પ્રખ્યાત જરાય નહિ.અને સૌથી મોટી વાત કે હર્ષદ મહેતા વખતે તેને ખુલ્લો પાડવા પ્રેસ થી માંડીને સરકારના પ્રામાણિક માણસો ની આખી ટીમો કામે લાગેલી જે આખી ફોજ આ બીજી સિરીઝ માં મિસિંગ છે.સિરીઝ જોઈને એમ લાગે કે શું ૧૯૯૬ થી ૨૦૦૩ માં કોઈ પ્રામાણિક માણસો જ નહોતા?ફક્ત ખાઇબદેલું તંત્ર અને ચોરીના પૈસે રાજા બનેલો તેલગી કોઈના પણ માટે ડેરિંગ કરવાનું ઇન્સ્પિરેશન હોઈ શકે ખરું?
બાકી સિરીઝ જુઓ જેના ૫ એપિસોડ્સ આવ્યા છે અને બાકી નવેમ્બરમાં આવશે.જોઈને મજા ૧૦૦% આવશે પણ તેલગી ને જોઈને મહેતા જેવા ગૂઝબમ્પ્સ નહિ આવે કારણકે મહેતા પણ ચોર હતો પણ વ્હાઇટ કોલર અને અમુક નિયમો નો પાક્કો.જયારે તેલગી સાવ નિમ્ન કક્ષા એ જઈને પણ પૈસા બનાવે અને કહે કે ડેરિંગ તો કરના પડેગા ના ડાર્લિંગ.
સત્યેન નાયક ❤️ સે
Leave a Reply
View Comments