Surties : ભાજપમાં વધુ એક નેતાની બગાવત? કોણે ઠાલવી સોશિયલ મીડિયામાં ભડાશ?

Surties - Surat News

સુરત શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પીવીએસ શર્માના રાજીનામા બાદ હવે વધુ એક નેતા દ્વારા સોશ્યલ મીડિયામાં ભાજપ સંગઠન વિરૂદ્ધ બળાપો કાઢવામાં આવ્યો તેવી ચર્ચાનો દૌર શરૂ થઈ ચુક્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા હાલમાં જ સોશ્યલ મીડિયામાં જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે તેનાથી શહેર ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ચુક્યો છે. જો કે, હસમુખ પટેલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીમાં તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પાર્ટી કે નેતાનું નામ લેવાનું ટાળ્યું છે.

વિધાનસભા ચુંટણીની જાહેરાત સાથે જ શહેર ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓમાં એક પછી એક વિરોધનો સૂર ઉઠી રહ્યો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગઈકાલે શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પીવીએસ શર્મા દ્વારા સોશ્યલ મીડિયા થકી પોતાના રાજીનામાની જાહેરાત બાદ હવે આજે હસમુખ પટેલ દ્વારા પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી જ પોતાની વ્યથા ઠાલવવામાં આવી છે. તેઓએ પોતાની વ્યથા ઠાલવતાં સોશ્યલ મીડિયામાં ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, માનીએ છીએ કે સામે જવાબ આપવું સારૂં નથી પરંતુ દરેક વખત સહન કરવું પણ સારૂં નથી. પછી લોકો એમની હદ અને મર્યાદા ભૂલી જાય છે. એટલે ક્યારેક સાચો અને સામો જવાબ આપવાનું શીખવિું પડે. નહીં તો ખબર નઈ ક્યાં સુધી સહન કરવું પડશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સક્રિય નેતા હસમુખ પટેલ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીને પગલે હવે ભાજપના નેતાઓમાં પણ તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.

એક તબક્કે ઉધના વિધાનસભા બેઠક માટે પોતાની દાવેદારી માટે હરસંભવ પ્રયાસ કરનાર હસમુખ પટેલ દ્વારા અચાનક આ રીતે ગર્ભિત ટિપ્પણીને પગલે શહેર ભાજપના રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે. જો કે, હસમુખ પટેલ દ્વારા આ ટિપ્પણીમાં કોઈ પણ નેતા કે પાર્ટીનો ઉલ્લેખ ન કરવામાં આવતાં તેઓ દ્વારા આ ટિપ્પણી કોના માટે અને કેમ ઉચ્ચારવામાં આવી છે તેનું રહસ્ય હજી સુધી અકબંધ છે.