૨૫૦ કરતાં વધુ સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું વિરાટ સંત સંમેલન. ભારતની મહાન સંત પરંપરાને અને પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરી શ્રદ્ધાંજલિ.
ભારતના નૈતિક ઘડતરમાં સંત પરંપરાનું યોગદાન અનેરું છે. ભગવાન સ્વામિનારાયણે પણ એક વિશિષ્ટ સંત પરંપરાની ભેટ આપીને તેને ગૌરવાન્વિત કરી. તેમણે ૩૦૦૦ થી વધુ પરમહંસો દ્વારા પવિત્ર નૈતિક, આધ્યાત્મિક જીવન જીવવા લાખો લોકોને પ્રેરિત કરીને શાંત ક્રાંતિ કરી હતી. તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના પાંચમા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મની મહાન સંત પરંપરાનું ગૌરવ વધાર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ અપ્રતિમ યોગદાનને અંજલિ અર્પવા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે રાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન થયું હતું. જેમાં ૨૫૦ કરતાં વધુ સંતો, મહંતો અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સવારે ૯ વાગ્યે નગરના મુખ્ય દ્વાર પાસે સર્વે અતિથિ સંતોનું વૈદિક મંત્રોચ્ચાર અને શાંતિ પાઠ સાથે પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી સર્વે સંતો શોભાયાત્રાના સ્વરૂપમાં પ્રમુખસ્વામી મહારાજની વિશાલ પ્રતિમા પાસે પહોંચ્યા. ત્યાં વેદોક્ત પૂજન સાથે સૌ સંતોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. પૂજન અને પ્રદક્ષિણા બાદ સર્વે સંતોએ સમ્મેલનના સભાગૃહમાં સ્થાન ગ્રહણ કર્યું.
સંધ્યા સભામાં BAPS ના સંગીતવૃંદ દ્વારા ભક્તિ સંગીતના વિશિષ્ટ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BAPS ના પૂજ્ય આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના સંતત્વના વિરલ ગુણો વિષે વક્તવ્ય આપ્યું હતું.
BAPS ના વરિષ્ઠ સંતો – પૂ. ઘનશ્યામચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. ભક્તિપ્રિય (કોઠારી) સ્વામી, પૂ. ડૉક્ટર સ્વામી દ્વારા સાધુતાના શિખર એવા પ્રમુખસ્વામી મહારાજ વિષે મનનીય પ્રવચનો કરવામાં આવ્યા હતાં. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ૨૦૨૨માં ભારતભરમાં યોજાયા હતાં. ૨૧ સંત સંમેલનો. ૨૦૨૨માં વિદેશોમાં પણ ૧૦ જેટલી ‘યુનિટી ફોરમ’ દ્વારા ૩૩૫ કરતાં વધુ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓના ૧૦૦૦ કરતાં વધુ પ્રતિનિધિઓ સાથે BAPS ના સંતો દ્વારા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
Leave a Reply
View Comments