આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરતના આંગણે સર્જાયેલા ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતમાં સર્જાયેલા વર્લ્ડ રેકોર્ડ અંગેનું ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેને પગલે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હાલમાં જ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા દેશમાં પહેલી વખત સાડી વોકેથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગેની નોંધ પણ વડાપ્રધાન દ્વારા લેવામાં આવી હતી. આમ, ખુબ જ ટુંકા ગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બબ્બે વખત સુરતના વખાણ કરતાં નાગરિકોનો જુસ્સો બેવડાયો છે.
ગઈકાલે સમગ્ર દુનિયામાં ભારે ઉત્સાહ સાથે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જો કે, સુરતમાં યોગ દિવસની ઉજવણી માટે અલગ જ થનગનાટ જોવા મળી રહ્યો હતો. 12 કિલોમીટર વિસ્તારમાં 1.53 લાખ સુરતીઓએ વહેલી પરોઢિયે યોગ દિવસમાં ભાગ લેતાં ખુદ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની નોંધ લેવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સુરતીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ગણતરીનાં દિવસોમાં તૈયારીઓ હાથ ધરીને સુરત મહાનગર પાલિકા દ્વારા યોગ દિવસને ઐતિહાસિક બનાવવામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.
Congratulations Surat! A remarkable feat. https://t.co/AM2yoWTZu1
— Narendra Modi (@narendramodi) June 21, 2023
સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય તેને ધ્યાને રાખીને વાય જંકશન પર યોજવામાં આવેલા આ કાર્યક્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે ત્યારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતની આ અભૂતપૂર્વ સિદ્ધિ અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ ટ્વીટમાં હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવાની સાથે તેમની પ્રેરણા થકી જ આ ઐતિહાસિક સિદ્ધિ મેળવવામાં સફળતા સાંપડી હોવાનું જણાવ્યું હતું. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ હર્ષ સંઘવીની ટ્વીટના જવાબમાં સુરત અને સુરતીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સુરત શહેરમાં નોંધાયેલ સિદ્ધિ બદલ સુરતીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા દેશમાં પહેલી વખત સાડી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના વિવિધ પ્રાંતની 10 હજાર જેટલી મહિલાઓ દ્વારા પારંપરિક સાડીમાં વોકેથોનમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોંધ લેવામાં આવી હતી. સુરતની આ ઈવેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગમી ગઈ છે અને તેઓએ ટ્વીટર પર આ ઈવેન્ટને બિરદાવવા સાથે પ્રોત્સાહન પણ આપ્યું છે. વડાપ્રધાને કહ્યું છે, સાડી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે તેમની ટ્વીટ બાદ સુરત પાલિકાએ પણ વડાપ્રધાનનો આભાર માનતી ટ્વીટ કરી છે.
Leave a Reply
View Comments