Surties : કબ્રસ્તાન માટે ફાળવવામાં આવેલ જમીન પર પે એન્ડ પાર્કનો ધંધો, લિંબાયત ઝોન દ્વારા પે એન્ડ પાર્ક વિરૂદ્ધ સિલિંગની કાર્યવાહી

કબ્રસ્તાન માટે ફાળવવામાં આવેલ જમીન પર પે એન્ડ પાર્કનો વેપલો
લિંબાયત ઝોન દ્વારા નાછૂટકે પે એન્ડ પાર્ક વિરૂદ્ધ સિલિંગની કાર્યવાહી
છેલ્લા પાંચ વર્ષથી શહેરી વિકાસ વિભાગના આદેશ અંગે લિંબાયત ઝોનના આંખ આડા કાન

શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ રઘુકુળ માર્કેટ પાસે ટ્રસ્ટને કબ્રસ્તાન માટે ફાળવવામાં આવેલી જમીન પર ખાનગી ધોરણે પે એન્ડ પાર્કનો વેપલો ચાલી રહ્યો હોવાને કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ સંદર્ભે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવતાં કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળા જાગેલા લિંબાયત ઝોન દ્વારા અંતે ધરાર ગેરકાયદેસર ચાલી રહેલા પે એન્ડ પાર્કના નામે થતાં ઉઘરાણા બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર કામિની દોશી અને સ્ટાફ દ્વારા આજે આ પ્લોટ પર આવેલા દરવાજાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સને 1980માં સુરત મહાનગર પાલિકા દ્વારા સુલેમાની ટ્રસ્ટ નામક સંસ્થાને લિંબાયત ઝોનમાં ઉમરવાડા ખાતે આવેલ ફાઈનલ પ્લોટ નં. 153વાળી આશરે 3755 ચોરસ મીટર જમીનને કબ્રસ્તાન માટે ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અલબત્ત, ટ્રસ્ટ દ્વારા આજ દિન સુધી આ જમીન પર કબ્રસ્તાન બનાવવાને બદલે ત્રાહિત વ્યક્તને આ જમીનનો પે એન્ડ પાર્કના નામે કબ્જો સોંપી દેવામાં આવ્યો હતો. આ અંગેની જે તે સમયે ફરિયાદ કરવાની સાથે સાથે ટ્રસ્ટને જે હેતુથી જમીનની ફાળવણી કરવામાં આવી છે તે સંદર્ભેનો ઉપયોગ ન કરવામાં આવતાં વિવાદ સર્જાવા પામ્યો હતો. બીજી તરફ સુલેમાની ટ્રસ્ટ દ્વારા જમીનના હેતુફેર અંગેની પણ રજુઆત મનપા સમક્ષ કરવામાં આવી હતી.

જેને પગલે સને 2017માં મનપાએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હેતુફેરની અરજીને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંગેની જાણ શહેરી વિકાસ વિભાગ દ્વારા લિંબાયત ઝોનને લેખિતમાં કરવામાં આવી હોવા છતાં લિંબાયત ઝોન દ્વારા આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે હાલમાં જ પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક અગ્રણી અસલમ સાયકલવાલા દ્વારા રજુઆત કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. મહાનગર પાલિકા દ્વારા કબ્રસ્તાનના હેતુ માટે જે સંસ્થાને જમીનની ફાળવણી કરવામાં આવી હતી ત્યાં પે એન્ડ પાર્કના નામે ઉઘરાણા થતાં હોવાની જાણકારી મળતાં વહીવટી તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. લિંબાયત ઝોનના જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ માછલાં ધોવાયા બાદ આજે મને – કમને લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર કામિની દોશીએ પોતાના સ્ટાફ સાથે સદરહું જમીન પર ચાલી રહેલા પે એન્ડ પાર્કના વેપલાને બંધ કરાવવાની સાથે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મનપાને લાખ્ખોનું નુકસાનઃ જવાબદાર કોણ

સુરત મહાનગર પાલિકા દ્વારા ઉમરવાડા ખાતે કબ્રસ્તાન માટે ફાળવવામાં આવેલ 3775 ચોરસ મીટર જમીન પર ટ્રસ્ટના નામે ત્રાહિત વ્યક્તિ દ્વારા પે એન્ડ પાર્કનો ગોરખધંધો શરૂ કરી દેવામાં આવતાં હવે લિંબાયત ઝોનના અધિકારીઓ વિરૂદ્ધ શંકા – કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષે દહાડે પે એન્ડ પાર્કના નામે કરવામાં આવેલી લાખ્ખો રૂપિયાની ઉઘરાણીને પગલે મહાનગર પાલિકાને જે આર્થિક નુકસાન પહોંચ્યું છે તેના માટે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ પણ પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે. જો કે, લિંબાયત ઝોન દ્વારા આ સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાલિકાને મહિને પાંચ લાખનું નુકસાનઃ અસલમ સાયકલવાલા

આ સમગ્ર પ્રકરણ અંગે હાલમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને રજુઆત કરનાર અસલમ સાયકલવાલા દ્વારા લિંબાયત ઝોનના રેઢિયાળ વહીવટ અંગે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જે કામગીરી પાંચ વર્ષ પહેલા કરવાની હતી તેના માટે હવે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટ પાસેથી જમીનનો કબ્જો પરત મેળવ્યા બાદ જો મનપા દ્વારા જ આ લગડી જેવી જમીન પર પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો પાલિકાને મહિને પાંચ લાખ રૂપિયાની આવક થઈ શકે તેમ છે. આ સ્થિતિમાં હવે આગામી દિવસોમાં મનપા દ્વારા ટ્રસ્ટની સાથે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ જવાબદારી નક્કી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ તેમણે આશંકા વ્યક્ત કરી હતી.