Surties : આ તો હદ થઈ, હવે તહેવારમાં મોઢું મીઠું નહિં પણ તીખું થશે, સુરતમાં બની પાણીપુરી ફ્લેવરવાળી કાજુ કતરી

Surties- Surties News

Surties Exclusive:

કોઈપણ તહેવાર હોય મીઠાઈ વગર તે અધૂરો છે દરેક તહેવારમાં ઘરે આવતા મહેમાનોનું મોઢું મીઠું કરીને તેને વધાવવામાં આવે છે. પણ આ વખતે રક્ષાબંધનના તહેવારમાં મોઢામાં મીઠાશ નહીં પણ થોડી તીખાશ પણ આવશે. કારણ કે સુરતના એક મીઠાઈ વિક્રેતા દ્વારા પાણીપુરી વાળી મીઠાઈ તૈયાર કરવામાં આવી છે.

સુરતના આ મીઠાઈ વિક્રેતાનું કહેવું છે કે દર વર્ષે લોકો અમારી પાસે નવા ફ્લેવર અને નવી યુનિક મીઠાઈની અપેક્ષા રાખતા હોય છે. ગયા વર્ષે અમારા દ્વારા બબલગામ ફ્લેવરની મીઠાઈ બનાવવામાં આવી હતી. જે ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ખૂબ પસંદ પડી હતી.

પરંતુ આ વખતે રક્ષાબંધનમાં અમે કંઈક યુનિક મીઠાઈ લાવવા માંગતા હતા એટલે અમે બહેનોનું વિચાર કર્યો બહેનોને મન ભાવતી પાણીપુરી છે. ભાગ્યે જ કોઈ એવી બહેન હશે કે જેને પાણીપુરી ન ભાવતી હોય. જેથી અમે વિચાર કર્યો કે શા માટે આ વખતે પાણીપુરીના ફ્લેવર વાળી મીઠાઈ બનાવવામાં ન આવે. આ વિચારને અમે અમલમાં મૂક્યો અને પાણીપુરી નો ટેસ્ટ આવે તેવી કાજુકતરી તૈયાર કરી.

કાજુકતરી આમ તો સ્વાદમાં મીઠી હોય છે પણ આ કાજુકતરી નો સ્વાદ થોડો તીખો થોડો ખાટો અને થોડો મીઠો એમ ત્રણ ફ્લેવરની ભેગી કરીને બનાવવામાં આવી છે. કે આ મીઠાઈ બહેનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જેથી ચોક્કસથી તેમને આ ફ્લેવરની મીઠાઈ જરૂર પસંદ પડશે. પાણીપુરી ની મીઠાઈ નો સ્વાદ સામાન્ય મીઠાઈ કરતા થોડો મોંઘો છે. પણ તહેવારોની ઉજવણી હોય ત્યારે સુરતીઓ કોઈ પણ પ્રકારની મોંઘવારી જોતા નથી અને એટલા માટે જ આ વખતે જીએસટી, દૂધ, કાચા માલ , સૂકા મેવા, મજૂરી વગેરેમાં ભાવ વધવાને કારણે મીઠાઈના ભાવમાં પણ 15 થી 20 ટકા જેટલો વધારો થયો છે છતાં પણ ખરીદી પર તેની કોઈ અસર જોવા મળી નથી.