Surties : આપ દ્વારા તિરંગા યાત્રા રેલી બાદ હવે ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં સોસાયટીઓમાં પોસ્ટરો લગાવાયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના વાયરલ થયેલા વિવાદિત વીડિયો બાદ હવે આપ દ્વારા આ મુદ્દાને ભાજપ વર્સિસ પાટીદાર તરીકે પ્રસ્થાપિત કરવાના હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાના વિવાદિત વીડિયો બાદ આ સમગ્ર પ્રકરણમાં ગોપાલ ઈટાલિયા વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદ અને અટકાયતી પગલાંઓ વિરૂદ્ધ હવે આમ આદમી પાર્ટી દ્વારા પાટીદારોના ગઢ એવા વરાછા વિસ્તારોમાં સોસાયટી – સોસાયટીએ ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં બેનરો લગાવવામાં આવી રહ્યા છે.
આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પહેલી વખત ત્રિ-પાંખિયો જંગ જોવા મળે તેવી સ્થિતિ વચ્ચે હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનો ગજગ્રાહ ચરમ પર પહોંચ્યો છે.

ગોપાલ ઈટાલિયા દ્વારા ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અસભ્ય શબ્દોનો ઉપયોગ કરવાનો વિવાદ શમ્યો નથી ત્યાં તેઓ દ્વારા મંદિરોમાં મહિલાઓના શોષણ અંગેનો વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયા પાટીદાર યુવક હોવાને કારણે તેઓ વિરૂદ્ધ આ પ્રકારની મેલી રાજરમત રમવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અલબત્ત, હાલમાં જ આપ દ્વારા ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં વરાછાના બરોડા પ્રિસ્ટેજથી માનગઢ ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ રેલીમાં આપ સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરોને બાદ કરતાં ગણ્યાં ગાંઠ્યા કાર્યકરો જ ઉપસ્થિત રહેતા તર્ક – વિતર્ક શરૂ થઈ ગયા હતા.

 

જો કે, બીજી તરફ હવે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વર્સિસ ગોપાલ ઈટાલિયાની લડતને શેરી – શેરીએ પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલથી જ વરાછા સહિતના પાટીદાર વિસ્તારોમાં ગલીએ – ગલીએ આઈ સપોર્ટ ગોપાલ ઈટાલિયાના નામના બેનરો લગાવવામાં આવતાં વધુ એક વખત રાજકીય ગરમાટો આવી ગયો છે.