National : બિલકીશ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી

ગોધરાકાંડ પછી બનેલા 2002માં બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં તમામ 11 દોષિતને જેલમુક્ત કરવામાં આવ્યા છે. 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે તેઓ 2004થી જેલમાં હતા. આ તમામને આજીવન કેદને બદલે 15 વર્ષની સજા પૂરી થવાના આધારે 15 ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર સુભાષિની અલી સહિત 4 લોકોએ ગુજરાત સરકારના નિર્ણયને રદ કરવાની માગ કરી છે. આની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સવાલ એ છે કે શું ગુનેગાર ગુજરાતના નિયમો હેઠળ દોષિતો મુક્તિના હકદાર છે કે નહિ? અમારે જોવું પડશે કે મુક્તિ આપતી વખતે આને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે નહીં.

કોર્ટ રૂમમાં કોણે શું કહ્યું

♦ અરજદારો વતી કપિલ સિબ્બલઃ રમખાણોમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા, દાહોદમાં પણ આવું જ થયું હતું. બિલ્કિસ અને શમીમ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શમીમે બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે લોકોએ આ બંનેને જોયા, ત્યારે તેમણે કહ્યું હતું કે આમને મારો. ૩ વર્ષના છોકરાનું માથું જમીન પર પટકી દેવામાં આવ્યું હતું. સગર્ભા પર બળાત્કાર કરાયો હતો.

સુપ્રીમ કોર્ટ: શું તમે કહો છો કે રાહત ન આપી શકાય? ગુજરાત સરકારના નિયમો હેઠળ, સવાલ એ છે કે શું દોષિતો રાહતને પાત્ર હતા કે નહીં?

♦CJIએનવી રમનાઃ હું અગાઉના નિર્ણયમાં પક્ષકાર નહોતો. મેં ક્યાંક જોયું કે કોર્ટે આ લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. દોષિતોના વકીલોઃ મારા અસીલોની ફરી ધરપકડ થઈ શકે છે. અમે આ મામલે પક્ષકાર પણ નથી. અમારી સામે પિટિશન છે.

CJI એનવી રમનાઃ તમે તેને પક્ષકાર કેમ ન બનાવ્યા?

અરજદારો વતી કપિલ સિબ્બલઃ અમે રાજ્ય સરકારના નિર્ણય સામે લડી રહ્યા હતા.

♦CJI એનવી રમનાઃ ગુજરાત સરકારને નોટિસ પાઠવી રહ્યા છીએ. તમારો જવાબ આપો. નિર્દેશ આપીએ છીએ કે 11 દોષિતોને પણ પક્ષકાર બનાવવામાં આવે.

14 વર્ષ પછી મુક્ત કરવા એ નિયમ નથી, SCએ કહ્યું હતું – આજીવન કેદ એટલે જીવનભરની કેદ

2012ના એક કેસમાં સુપ્રીમ કોર્ટેસ્પષ્ટતા કરી હતી કે આજીવન કેદ એટલે જીવનભરની કેદ. જસ્ટિસ કેએસ રાધાકૃષ્ણન અને મદન બી. લોકુરની બેન્ચે અવલોકન કર્યું હતું કે “એવી ખોટી માન્યતા હોય છે કે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 કે 20 વર્ષની જેલની સજા પૂરી થવા પર મુક્ત થવાનો અધિકાર છે”. કેદીને એવો કોઈ અધિકાર નથી. આજીવન કેદ અથવા આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતે જીવનના અંત સુધી કસ્ટડીમાં રહેવું પડે છે. આજીવન કેદની સજા પૂરી થાય એ પહેલાં દોષિતને સંબંધિત સ૨કા૨ની કોઈપણ મુક્તિ અથવા માફી સાથે સીઆરપીસીની કલમ 432 હેઠળ મુક્ત કરી શકાય છે, પરંતુ સીઆરપીસીની કલમ 433 એ મુજબ, સંબંધિત સરકાર 14 વર્ષ અગાઉ આજીવન કેદની સજાને ઘટાડી શકતી નથી.’

આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતને મુક્ત કરાયા હત

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે બિલ્કિસ બાનો કેસના આરોપીઓની મુક્તિ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CJI એનવી રમનાની સામે દોષિતોના વકીલે જ્યારે તે દલીલ કરી હતી કે અમે આ મામલે પક્ષકાર નથી. અમારી વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. CJ રમનાએ આ અંગે સવાલ ઉઠાવ્યો હતો કે તેમને પક્ષકાર કેમ ન બનાવાયા? કોર્ટે આ લોકોને પક્ષકાર બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે દોષિતોને મુક્ત કરવા અંગે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે.

આ મામલાની સુનાવણી જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કરી હતી. ગુજરાત સરકારના નિર્ણયની સામે સુભાષિની અલી, પત્રકાર રેવતી લાલ અને પ્રોફેસર રૂપ રેખા વર્માએ આ અરજી કરી હતી. બિલ્કિસ બાનો સાથે સામૂહિક બળાત્કાર અને પરિવારના 7 સભ્યોની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતને મુક્ત કરવામાં આવ્યા હતા.