Morbi Tragedy : બચાવ માટે ગરુડ કમાન્ડો પહોંચ્યા હેલીકૉપટરથી, રાષ્ટ્રપતિએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ

Morbi Tragedy : Garuda commando arrived for rescue by helicopter, President expressed grief over the incident
Morbi Tragedy : Garuda commando arrived for rescue by helicopter, President expressed grief over the incident

ગુજરાતના મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ અચાનક તૂટી પડતાં અનેક નવા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. આ બ્રિજનું રિનોવેશન કરનાર કંપનીએ ક્વોલિટી ચેક થાય તે પહેલા જ બ્રિજ સામાન્ય માણસ માટે ખુલ્લો કરી દીધો હોવાનું જાણવા મળે છે. આ પુલ પર થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 141 થયો છે. લગભગ 177 લોકોને બચાવી લેવાયા છે. જેમાંથી 19 લોકોની સારવાર ચાલી રહી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

સુરત ફાયર વિભાગના 17 જવાનોની ટિમ પણ તમામ સાધનો સાથે રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે મોરબી પહોંચી ગઈ છે. આ ઉપરાંત  બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ સાથે એરફોર્સના વિમાન રાહત કામગીરી માટે રવાના થઈ ગયા છે. એક કલાકમાં બીજું પ્લેન મોકલવામાં આવશે. જામનગર અને અન્ય નજીકના સ્થળોએ બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે.

સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ભુજ અને અન્ય સ્થળોએથી ગરુડ કમાન્ડોને મોરબી મોકલવામાં આવ્યા છે.જ્યારે વડોદરાથી NDRFની 5 ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં પણ 200 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે કલમ 304 હેઠળ ફરિયાદ નોંધી છે.ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે મોરબી પહોંચ્યા હતા અને પહેલા અકસ્માત સ્થળે અને પછી હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.

ઘાયલોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની પ્રક્રિયા ચાલુ છે

ગઈકાલ સાંજથી બચાવ કામગીરી ચાલી રહી છે. મોરબી જીલ્લા હોસ્પિટલમાં મૃતદેહો અને ઘાયલ લોકો સુધી પહોંચવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. આ જિલ્લા હોસ્પિટલની સવારની તસવીરો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે રેસ્ક્યુ ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને તાકીદે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ મુર્મુએ પણ ટ્વિટ કરીને ગુજરાતના મોરબીમાં બનેલી આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતના મોરબીમાં બનેલી આ દુ:ખદ ઘટનાથી હું ચિંતિત છું. આ ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના.