શહેરના પાંડેસરા ખાતે આવેલ એક ખાનગી શાળા દ્વારા જન્મ પ્રમાણ પત્રમાં હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવતાં પ્રવેશ આપવાનો ધરાર ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે સમગ્ર શહેરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. મુળ ઉત્તર પ્રદેશના વતની પોતાની પુત્રીના એડમિશન માટે શાળાએ પહોંચ્યા બાદ આ વિવાદ વકરતાં આજે એબીવીપીના કાર્યકરો દ્વારા શાળામાં પહોંચીને ભારે વિરોધ વચ્ચે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેને પગલે નાછૂટકે શાળા સંચાલકો દ્વારા હિન્દીમાં આપવામાં આવેલા જન્મ પ્રમાણ પત્રને માન્ય રાખીને એડમિશન માટેની બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો.
પાંડેસરાના પ્રમુખ પાર્ક ખાતે આવેલ મેરી માતા શાળાના સંચાલકોની હિન્દી ભાષા પ્રત્યેની સુગ વધુ એક વખત જગજાહેર થતાં શૈક્ષણિક જગતમાં હોબાળો મચી જવા પામ્યો હતો. એક તરફ સરકાર દ્વારા સમગ્ર દેશમાં હિન્દી ભાષાના બહોળા પ્રમાણમાં ઉપયોગ અંગે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે એક ખાનગી શાળાના સંચાલકો દ્વારા હિન્દી ભાષામાં લખવામાં આવેલા જન્મ પ્રમાણ પત્રને આધારે માસુમ બાળકીને એડમિશન આપવા અંગે ધરાર ઈન્કાર કરી દેવામાં આવતાં પરિજનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે રજુઆત કરવામાં આવી હતી.
બીજી તરફ સવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા વહેલી સવારે શાળાના સંચાલકો સામે મોરચો કાઢીને સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. જેને પગલે કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનની શક્યતાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો પણ શાળાએ પહોંચી ગયો હતો. અલબત્ત, શાળાના સંચાલકો દ્વારા અંતે હિન્દીમાં લખવામાં આવેલા જન્મ પ્રમાણ પત્રને માન્યતા આપવાની સાથે – સાથે બાળકીને પ્રવેશ આપવા અંગે બાંહેધરી આપતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
Leave a Reply
View Comments