વિધાનસભા ચુંટણીનો પારો ધીરે ધીરે ચઢી રહ્યો છે ત્યારે હવે ભાજપના સંભવિત ઉમેદવારોના નામોને લઈને ચર્ચાનું બજાર ગરમ થઈ ચુક્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ક્રમશઃ અલગ – અલગ વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપમાં હજી સુધી ઉમેદવારોના નામ અંગે સસ્પેન્શ અકબંધ રહેવા પામ્યું છે. જો કે, સોશ્યલ મીડિયામાં હવે સુરત શહેર – જિલ્લાના ઉમેદવારોના નામ સાથેની યાદીઓ વાયરલ થતાં ચર્ચાનો દૌર શરૂ થઈ જવા પામ્યો છે. છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયામાં જે યાદી વાયરલ થઈ રહી છે તેમાં ઉધના, કામરેજ, ચોર્યાસી, વરાછા અને લિંબાયતના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આગામી વિધાનસભા ચુંટણીમાં સુરતનો ગઢ અકબંધ રાખવા માટે ભાજપ દ્વારા સૌથી મોટો પડકાર બની રહ્યો છે ત્યારે હજી સુધી ભાજપ મોવડી મંડળ દ્વારા એક પણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામ અંગે મગનું નામ મરી પાડવામાં આવી રહ્યું નથી. અલબત્ત, છેલ્લા બે દિવસથી સુરત શહેર – જિલ્લાની વિધાનસભા બેઠકો અંગેનું લિસ્ટ વાયરલ થતાં અનેક તર્ક – વિતર્ક શરૂ થઈ ચુક્યા છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા લિસ્ટ મુજબ ઉધના બેઠક માટે પૂર્વ કલેકટર અને પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ, કામરેજમાં જનક બગદાણાવાળા, પશ્ચિમમાં પૂર્ણેશ મોદીના સ્થાને હેમાલી બોઘાવાલા, ચોર્યાસીમાં ઝંખના પટેલનું પત્તુ કપાવવાની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ અને વરાછામાં દિનેશ નાવડિયા અને પ્રતાપ જીરાવાલા વચ્ચે ખેંચતાણ હોવાનું જણાવાઈ રહ્યું છે. અલબત્ત, આ અંગે હજી સુધી સુરત શહેર ભાજપ દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી ત્યારે આગામી દિવસોમાં જ્યારે ભાજપ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે ત્યારે આ નામો પૈકી કોનો સમાવેશ થશે તે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે.
બીજી તરફ લિંબાયતમાં સ્થાનિક કાર્યકરોના વિરોધ વચ્ચે પણ સંગીતા પાટીલનું નામ ફાઈનલ થઈ ચુક્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ચોર્યાસીમાં નિષ્ક્રિય હોવાને કારણે ઝંખના પટેલનું પત્તું કપાય તેવી અટકળો શરૂ થઈ ચુકી છે.
ઝંખના પટેલના સ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈના નામ મોખરાનું હોવાની વાત વાયુવેગે પ્રસરી ચુકી છે ત્યારે હવે ચોર્યાસીમાં જો ઝંખના પટેલના સ્થાને સંદિપ દેસાઈનું નામ ફાઈનલ થાય તો નવાઈ નહીં. અલબત્ત, આ સમગ્ર ચર્ચાઓ અને તર્ક – વિતર્ક વચ્ચે હજી સુધી ભાજપ દ્વારા એક પણ ઉમેદવારના નામ અંગે કોઈને કળ વળવા દીધી નથી.
Leave a Reply
View Comments