શહેરના અઠવા ઝોનમાં આવેલા વેસુ – વીઆઈપી રોડ પર વરસાદના આગમન સાથે જ રસ્તા પર મસમોટો ભુવો પડતાં તંત્ર દોડતું થયું હતું. એક તરફ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારોમાં ચોમાસાના આગમન પૂર્વે જ પ્રિ-મોન્શુનની કામગીરી આટોપી લેવાની સ્પષ્ટ સૂચના આપી હતી. જો કે, અઠવા ઝોન દ્વારા પ્રિ-મોન્શુનની કામગીરીના નામે જાણે વેઠ ઉતારવામાં આવી હોય તેમ રસ્તાની વચ્ચોવચ્ચ ભુવો પડતાં વાહન ચાલકોના માથે જીવનું જોખમ ઉભું થવા પામ્યું હતું.
વેસુ ખાતે આવેલા વીઆઈપી રોડ પર ગઈકાલે મોડી સાંજે રસ્તાની વચ્ચોવચ્ચ ભુવો પડ્યો હતો. જેને પગલે અઠવા ઝોનના વહીવટી તંત્ર દ્વારા પણ તાકિદે સમારકામ માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેને પગલે રાતોરાત ભુવામાં પેચ વર્ક કરીને સબસલામતનું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આજે સવારે વરસાદના આગમન સાથે જ પેચવર્કની પણ પોલ ખુલી જવા પામી હતી અને ભુવામાં પેચવર્ક ગરકાવ થઈ જતાં અકસ્માતની ભીતિ ઉભી થવા પામી હતી. જેને પગલે વધુ એક વખત ઝોન દ્વારા તાકિદના ધોરણે ભુવાની આસપાસ ડાયવર્ઝન માટે પાટિયા ગોઠવી દેવામાં આવ્યા હતા.
Leave a Reply
View Comments