હવે સુરતના શૌચાલયનો ઉપયોગ ગાંજો છુપાવવામાં ? કતારગામ પોલીસે કરી આ કાર્યવાહી

Katargam police seized the drug
Katargam police seized the drug

શહેરના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં રેલવે પટરી પાસે સુરત મહાનગરપાલિકાનું શૌચાલય આવેલું છે. જે શૌચાલય છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકો આવેલો છે. જોકે શૌચાલય બંધ હોવાના કારણે ખાલી ટાંકાનો ઉપયોગ કોઈ અજાણયા ઈસમો ગાંજાનો જથ્થો છુપાવવા માટે કરતા હતા. આ દરમિયાન ગતરોજ કતારગામ પીએસઆઇ વી.એન. સિંગરખીયા અને તેની ટીમે બાતમીના આધારે ટાંકામાંથી બીનવારસી હાલતમાં રૂપિયા ૧૦.૦૯ લાખના કિંમતનો ૧૦૦.૯૨ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.

કતારગામ પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે કતારગામ જીઆઈડીસી રેલવે પટરી પાસે ગુણાતીતનગરની સામે સુરત મહાનગરપાલિકના બંધ શૌચાલયના ભોય તળિયાની ટાંકીમાં અજાણયા ઈસમો દ્વારા ગાંજાનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ખાખી કલરના પ્લાસ્ટીકમાંથી પેકીંગ કરેલ ૫૦ પેકેટ મળી આવ્યા હતા.

પોલીસે ઘટના સ્થળ પર એફ.એસ.એલની ટીમને બોલાવી પરીક્ષણ કરાવતા માદક પદાર્થ ગાંજો હોવાનું અને ૧૦૦.૯૨ કિલોગ્રામ જેની કિંંમત રૂપિયા ૧૦,૦૯,૨૦૦ હતી. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી જથ્થો લાવનારને શોધી કાઢવાના ચક્રોગતિમાન કર્યા છે.