રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે શરૂ કરાયેલ કરુણા અભિયાન સુરત શહેર અને જિલ્લામાં 20 જાન્યુઆરી સુધી શરૂ કરવામાં આવ્યું છે. પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગ દ્વારા ‘કરૂણા’ અભિયાન દ્વારા વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ માટે વન વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. જેના દ્વારા વધુમાં વધુ લોકોને ઘાયલ પક્ષીઓની માહિતી આપવા અનુરોધ કરાયો છે.
કરુણા અભિયાન શરૂ કર્યું
રાજ્ય સરકાર દ્વારા નિર્દોષ જીવોની સુરક્ષા માટે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેર અને જિલ્લામાં 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચાલશે. સુરત શહેર અને જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન ભવન અડાજણ ખાતે વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, આ સાથે પશુઓ માટે રાજ્ય સરકારનો ટોલ ફ્રી નંબર 1962, 6 એમ્બ્યુલન્સ પણ આ દરમિયાન ફરજ પર રહેશે.
વન વિભાગ દ્વારા જાહેર કરાયેલ હેલ્પલાઈન નંબર
વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા અને તાત્કાલિક સારવાર માટે હેલ્પલાઈન નંબર. 9909730030ની પણ જાહેરાત કરવામાં આવી છે. આ નંબર નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ નંબર પર જાણ કરવા સૌને ખાસ વિનંતી.
પશુપાલન વિભાગ અને 12 જેટલી સમાજ કલ્યાણ સંસ્થાઓ પણ કરુણા અભિયાનમાં જોડાઈ છે અને તેમના સ્વયંસેવક યુવાનો અને પશુ ચિકિત્સકો પણ સેવા આપશે. કુલ 30 સરકારી અને સંસ્થાકીય કેન્દ્રો પર પક્ષીઓની સારવાર ઉપલબ્ધ થશે, આ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટી નવસારીના વેટરનરી તાલીમાર્થીઓ પણ સેવા આપશે.
Leave a Reply
View Comments