આનંદો… કામરેજ ટોલ ટેક્સ પર સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ

Joy... Exemption of toll to local vehicles on Kamraj toll tax
Joy... Exemption of toll to local vehicles on Kamraj toll tax

સુરત સહિત આસપાસના વાહન ચાલકો માટે છેલ્લા કેટલાક સમયથી માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહેલા કામરેજ ટોલટેક્સના મુદ્દે અંતે સુખદ નિવેડો આવવા પામ્યો છે. હાલમાં જ કામરેજ ટોલનાકાનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શનને પગલે સફાળા જાગેલા ટોલટેક્સના સંચાલકો અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ દ્વારા આ અંગે સ્થાનિક વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. આજરોજ કામરેજ નાગરિક સમિતિ સાથે યોજાયેલ બેઠક દરમ્યાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક કોમર્શિયલ વાહનોને માસિક ત્રણ હજાર રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે અને આ સિવાય ખાનગી વાહનોને માસિક પાસ લેવાનો રહેશે.

શહેરના છેવાડે આવેલા કામરેજમાં ટોલટેક્સના સંચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલટેક્સના નામે ઉઘાડી લૂંટ શરૂ કરવામાં આવી હતી. આ અંગે કામરેજ નાગરિક સમિતિ દ્વારા બે દિવસ પૂર્વે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે હાઈવે ઓથોરિટીની ઓફિસને તાળાબંધીનો જલદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે દરમ્યાન ક્રોધે ભરાયેલા નાગરિકો દ્વારા જો સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી વહેલી તકે મુક્તિ નહીં આપવામાં આવે તો હાઈવે પર ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ સિવાય સ્થાનિક વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ કરવા છતાં ઠેર – ઠેર ખાડા અને બેફામ ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે વાહન ચાલકોને ભારે હાલાકી થતી હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અલબત્ત, આજે સવારે ટોલ બુથના સંચાલકો સાથે કામરેજ નાગરિક સમિતિ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકને અંતે ટોલ બુથના અધિકારીઓ દ્વારા સ્થાનિક વાહનો કે જેઓનું રજીસ્ટ્રેશન જીજે -5 અને જીજે-19 છે તેઓને ટોલ ટેક્સમાંથઈ મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિક વાહન ચાલકોએ પોતાના વ્હીકલનું રજીસ્ટ્રેશન ટોલ બુથ કરાવું પડશે અને ત્યારબાદ જ તેઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળશે. આ સિવાય કોર્મશિયલ વાહન ચાલકોને પણ ટોલ બુથના અધિકારીઓ દ્વારા માસિક ત્રણ હજાર રૂપિયા સુધીની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. જેમાં કોમર્શિયલ વાહનો માટે ટોલ બુથ પરથી આ સંદર્ભે માસિક પાસ લેવાનો રહેશે.