સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે પણ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા નહિવત

Heavy winds may blow in Surat and South Gujarat, but there is no chance of a storm
Heavy winds may blow in Surat and South Gujarat, but there is no chance of a storm

અરબ સાગરમાં સક્રિય થયેલ બિપરજોય વાવાઝોડું હવે પોરબંદરથી માત્ર 340 કિલોમીટરના અંદરે છે. ધીમી ગતિએ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યના દરિયા કાંઠા પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હાલ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ નહિતવ્ થઈ ચુકી છે તેમ છતાં તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વિવિધ પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. આગામી 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી બે – ત્રણ દિવસ સુધી દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવા વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં સુરતના દરિયા કાંઠા પર 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યા છે અને જેની તીવ્રતા વધીને 70 કિલોમીટર સુધી પહોંચે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં સક્રિય થયેલું બિપરજોય વાવાઝોડું હવે આગામી 15મી જૂનના રોજ કચ્છના માંડવી ખાતે ત્રાટકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને પગલે વાવાઝોડાને કારણે પ્રભાવિત થનારા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય વાવાઝોડાને પગલે કચ્છ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. જો કે, હાલના સંજોગોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડની શક્યતાઓ નહિવત્ થઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે સાંજથી જ શહેરમાં ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ ચુકી હતી. આજે પણ શહેરના કાંઠે આવેલા હજીરા સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં 46 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયા હતા. ભારે પવનને પગલે શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાવા પામી છે.

સુરત શહેર – જિલ્લાના કાંઠા વિસ્તારોમાં આવેલા ડુમસ – ડભારી અને સુંવાલી સહિતના બીચો પર આજે પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને નાગરિકોને દરિયા કાંઠે ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સુરતમાં આગામી દિવસોમાં વાવાઝોડાને પગલે પવનની તીવ્રતામાં પણ વધારો થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફુંકાતા ગરમીનો પારો પણ ગગડતાં નાગરિકોએ એક તરફ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ વાવાઝોડાને પગલે કોઈપણ પ્રકારની અનિચ્છિનિય ઘટના ન નોંધાય તેના માટે તકેદારીના ભાગરૂપે વિવિધ પગલાં ઉઠવવામાં આવ્યા છે. હાલમાં સુરત જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડાની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જો કે, વાવાઝોડું કચ્છ અને કરાચીને વચ્ચે ત્રાટકે તેવી શક્યતાઓ પ્રબળ બનતાં સુરતમાં હળવાથી ભારે પવનો વચ્ચે છુટ્ટોછવાયો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.