સુરત શહેર સહિત જિલ્લામાં આજે સવારથી જ વાદળોની સંતાકુકડી વચ્ચે મેઘરાજાનું સત્તાવાર આગમન થવા પામ્યું છે. છેલ્લા એક સપ્તાહથી વરસાદની ચાતક નજરે રાહ જોનારા ધરતીપુત્રોમાં પણ વરસાદના આગમન સાથે જ હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે. ગઈકાલે મોડી રાત્રે શહેરના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયા બાદ આજે સવારથી શહેરના મોટા ભાગના ઝોન વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં પણ અલગ- અલગ તાલુકાઓમાં હળવા વરસાદી ઝાંપટા નોંધાતા તાપમાનમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જુન મહિનાના છેલ્લા સપ્તાહ સુધી વરસાદનું આગમન ન થતાં ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી. બીજી તરફ સુરતીલાલાઓ પણ વરસાદની રાહ જોતા નજરે પડી રહ્યા હતા. જો કે, ગઈકાલથી જ મેઘરાજાનું આગમન થતાં હવે ખેડૂતોને પણ હાશકારો થયો છે.
આજે સવારથી જ સુરત સહિત રાજ્યના અલગ – અલગ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં પણ કામરેજમાં બપોર સુધીમાં ચાર મીમી, પલસાણામાં 10 મીમી, બારડોલીમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકામાં હળવા વરસાદી ઝાંપટા પડતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સુરત શહેરમાં પણ સવારથી બપોર સુધીમાં 10 મીમી વરસાદ નોંધાતા શહેરીજનોએ પણ ભારે રાહત અનુભવી છે.
જો કે, વરસાદના આગમનને પગલે નોકરી – ધંધા માટે નીકળેલા ટુ વ્હીલર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આજે સવારથી જ વરસાદના આગમનને પગલે ઠેર – ઠેર કાદવ અને કિચ્ચડનું સામ્રાજ્ય જોવા મળતાં પ્રિ-મોન્શુન કામગીરીની રાબેતા મુજબ પોલ ખુલી જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, આજથી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 27 જૂને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ તેમજ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Leave a Reply
View Comments