રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ઘણો જ વધી ગયો છે. એક પણ ગામ કે શહેર એવું નહીં હોય કે જેના રસ્તાઓ પર રખડતા ઢોર જોવા ન મળતા હોય. રખડતા ઢોરોને કારણે અવાર-નવાર ગંભીર અકસ્માતો પણ બનતા હોય છે. આ મામલે વારંવારની રજૂઆતો છતાં અગમ્ય કારણોસર સત્તાધીશો આ મામલે કોઈ કાર્યવાહી કરતા ન હતા. દરમિયાનમાં હાઈકોર્ટે રખડતા ઢોરને મામલે બુધવારે ટકોર કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે સાંજ સુધીમાં રખડતા ઢોર મામલે કોઈ નિર્ણય કરવા આદેશ આપ્યો હતો. તે પછી સરકાર જાગી હતી. સરકારે જાહેર કર્યું છે કે, જો પશુપાલકો પાસે જગ્યા ન હોય તો તેમના પશુઓને તેઓ ઢોરવાડામાં મૂકી શકાશે. સરકારે જણાવ્યું છે કે, આ પશુઓની સારસંભાળ સરકાર રાખશે અને પશુપાલકોને પશુઓના ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ આપવામાં આવશે.
રાજ્યના નાગરિકોને સરકાર રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા રાજ્ય સરકાર મક્કમ હોવાનું જણાવતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજ્યના પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો તેઓ પોતાના પશુ ઢોરવાડામાં મૂકી શકશે. જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલું જ નહીં, ઢોરવાડા સુધી રખડતા ઢોરોને પહોંચાડવા માટેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.
તેમણે જણાવ્યું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોરવાડા બનાવવામાં આવશે. તે માટે રૂ. 10 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો પણ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પકડાયેલા ઢોરો માટે પાણી, શેડ સહિતની તમામ જરૂરી નગરપાલિકાઓને સૂચના આપી દેવામાં આવી છે કે, પશુપાલકો ઢોરને ઢોરવાડામાં મૂકવા આવે ત્યારે તે વિના મૂલ્યે રાખવામાં આવે અને પશુઓને પૂરતી સગવડ આપવામાં આવે. સાથે જ તેમણે કહ્યું કે, શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરોને પકડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. બુધવારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે સરકારનો ઉધડો લેતા વેધક સવાલો પૂછતા કહ્યું હતું કે, જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. તે સાથે જ હાઈકોર્ટે રાજય રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
ચોમાસા દરમિયાન પશુપાલકો પાસે પશુઓ રાખવા માટે પૂરતી જગ્યા કે અન્ય વ્યવસ્થા ન હોવાના કારણે પશુઓને રોડ પર છોડી દેવામા આવે છે, જેના પરિણામે પશુઓની સંખ્યા રોડ પર વધારે પ્રમાણમાં જોવા મળે છે.
હાઈકોર્ટે મંગળવારે પણ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી?
+
Leave a Reply
View Comments