સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સાઉથ ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજિત ત્રણ દિવસીય સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન-2022નું રવિવારે સમાપન થયું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર, પ્રદર્શનને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને ત્રણ દિવસમાં આઠ હજારથી વધુ લોકો પ્રદર્શનમાં રહેલી જ્વેલરી જોવા માટે ઇન્ડોર સ્ટેડિયમમાં આવ્યા હતા. એક્ઝિબિશનમાં પ્રદર્શકોને સારા ઓર્ડર પણ મળ્યા છે.
આ વખતે ચેમ્બરે મેટ્રીમોની થીમ પર બી ટુ સી સ્પાર્કલ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું. ચેમ્બરના વડા હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય સુરતની જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ કરવાનો છે. કોરોના પછી લોકોને એક જ જગ્યાએ સુરતના દાગીનાની નવી ડિઝાઈન જોવાનો અને ખરીદવાનો મોકો મળ્યો હતો.બદેલા વાતાવરણમાં સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે સ્પાર્કલની B2C ઈવેન્ટ જરૂરી હતી.
તેમણે જણાવ્યું હતું કે લગ્નની સિઝનમાં સુરત સહિત ગુજરાતમાં આવેલા એનઆરઆઈએ પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને જ્વેલરીની ખરીદી કરી હતી. તેનો સીધો ફાયદો જ્વેલર્સને મળ્યો અને ત્રણ દિવસમાં ઘણા સારા ઓર્ડર પણ મળ્યા. ચેમ્બર દ્વારા ખાસ આમંત્રિત 400 થી વધુ પરિવારો સ્પાર્કલમાં આવ્યા અને ઘરેણાં ખરીદ્યા.
કેન્દ્રીય કાપડ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, તેમના પત્ની ગંગાબેન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે પણ પ્રદર્શનના છેલ્લા દિવસે મુલાકાત લીધી હતી અને પ્રદર્શનમાં રાખવામાં આવેલા ઝવેરાત વિશે પૂછપરછ કરી હતી. આ પહેલા શનિવારે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પાર્કલની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રી જરદોશે કહ્યું કે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાની દિશામાં આગળ વધી રહ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની પણ આમાં મોટી ભૂમિકા છે. ચેમ્બરે સ્પાર્કલનું આયોજન કરીને સુરતની જ્વેલરી બ્રાન્ડને વૈશ્વિક બજારમાં સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
Leave a Reply
View Comments