સીટી બસના અકસ્માતમાં બંને પગ ગુમાવી ચુકેલી યુવતીનું મોત : ડ્રાઈવર સામે ગુનો દાખલ

સુરત મનપા સંચાલિત સીટી બસને કારણે અકસ્માતનોનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસનો વધુ એક યુવતી ભોગ બની છે.

બનાવની હકીકત એવી છે કે તારીખ 28 જાન્યુઆરીના રોજ બસમાંથી ઉતરતી વખતે આ યુવતીને બસ ચાલકે અડફેટમાં લીધી હતી. યુવતી ઉતરે એ પહેલાં જ સીટી બસ ચાલકે બસ ચાલુ કરી દેતા બસ તેના પગ પર ચડી ગઈ હતી.

સીટી બસના પૈડાં યુવતીના પગ પર ફરી વળ્યાં હતા. જ્યાં ગંભીર હાલતમાં સારવાર અર્થે તેણીને સૌ પ્રથમ નવી સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. આ ઘટનામાં યુવતીએ બંને પગો ગુમાવી દીધા હતા.

ખાનગી હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ આજે યુવતી મોતને ભેટી છે. ઘટના અંગે ખટોદરા પોલીસે ચાલક સહિત કંડકટર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી નું નામ અર્ચના હોવાનું સામે આવ્યું છે.