Surties : ઇચ્છાપોરમાં ગરબા જોઈ પરત આવતી કિશોરીની છેડતી

ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી કિશોરી ગતરોજ તેની માતા તથા અન્ય બહેનપણીઓ સાથે ગરબા જોવા માટે ગઈ હતી. ગરબા જોઈ તમામ મોડીરાત્રે ઘરે પરત ફરતા હતા ત્યારે ઈચ્છાપોરમાં જ રહેતા યુવકે તેની પાસે આવી કિશોરી સાથે સબંધ રાખવા દબાણ કરી છેડતી કરી હતી. જોકે કિશોરીએ સબંધ રાખવાની ના પાડતા અને તેની વાત ન સ્વીકારતા યુવકે તેણીને એલફેલ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કિશોરીની માટે ઇચ્છાપોર પોલીસ મથકમાં છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બનાવની વિગત એવી છે કે ઇચ્છાપોર વિસ્તારમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે રહેતી 16 વર્ષની કિશોરી ગતરોજ તેની માતા તથા બહેનપણીઓ અને પાડોશી સાથે ગરબા જોવા માટે નજીકના વિસ્તારમાં ગઈ હતી. મોડીરાત્રે 12 વાગ્યાના અરસામાં તેઓ તમામ ગરબા જોઈ ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે ઈચ્છાપોરમાં બસ સ્ટેન્ડ ૩ પાસે આવેલ જુના સિનેમા હોલ પાસે રહેતો 25 વર્ષીય દિપક શીવનાથ યાદવ તેનો પીછો કરતો કરતો તેની પાસે આવ્યો હતો.

દીપકે કિશોરીને અટકાવી તેની સાથે સબંધ રાખવા માટે દબાણ કર્યું થયુ. જોકે કિશોરી તેની વાતમાં આવી ન હતી અને કોઈપણ સબંધ ન રાખવા જણાવી દીધું હતું. તેમ છતાં દીપકે તેણીની સાથે જબરજસ્તી વાત કરવાની કોશિશ કરી છેડતી કરી હતી. આ સમયે તેણીની માતા અને અન્ય પાડોશી મહિલાઓ વચ્ચે પડતા દીપકે કિશોરીને એલફેલ ગાળો આપી હતી. એટલું જ નહિ તેણીની માતાને ધમકી આપી હતી કે જો એકલી મળશે તો તેણીને જાનથી મારી નાખીશ. જેથી આખરે કિશોરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દિપક યાદવ સામે છેડતીનો ગુનો નોંધી તપાસ આદરી છે.