સુરત શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પીવીએસ શર્મા દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મોકલવામાં આવેલા રાજીનામામાં તેઓએ ચોક્કસ કારણોસર પાર્ટીના પ્રદેશ નેતૃત્વ દ્વારા કરવામાં આવી રહેલી દ્વેષભાવથી વ્યથિત થઈને રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો હતો. 15 વર્ષ સુધી પાર્ટીમાં શિસ્તબદ્ધ કાર્યર તરીકે સેવા આપી હોવા છતાં છેલ્લા કેટલાક સમય દરમ્યાન ભારે મનોમંથનને અંતે પાર્ટી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેઓએ વધુમાં જણાવ્યું હતું.
આગામી વિધાનસભા ચુંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે સુરત શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને છેલ્લા કેટલાક સમયથી નૈપથ્યમાં ધકેલાયેલા પીવીએસ શર્મા દ્વારા આજે સવારે સોશ્યલ મીડિયા દ્વારા પાર્ટી સાથે છેડો ફાડવાની જાહેરાત કરવામાં આવી હતી. તેઓએ પોતાના રાજીનામામાં પાર્ટીના જ ચોક્કસ નેતાઓ તરફ અંગુલી નિર્દેશ કરવાની સાથે – સાથે તેમની સાથે ધરાર અન્યાય થઈ રહ્યો હોવાની વ્યથા પણ ઠાલવવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બનાવનારા પીવીએસ શર્માએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ કોર્પોરેટર અને ત્યારબાદ સુરત શહેર ઉપપ્રમુખ સુધીની સફર ખેડી હતી.
જોકે , હવે સામી ચુંટણીએ તેઓએ ભાજપને અલવિદા કહેતા વધુ એક વખત તર્ક – વિતર્ક શરૂ થઈ ચુક્યા છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ તેઓ હવે સંભવતઃ લિંબાયત બેઠક પરથી અન્ય પાર્ટીના મેન્ડેટ હેઠળ વિધાનસભા ચુંટણીમાં ઝંપલાવી શકે છે.
Leave a Reply
View Comments