શહેરના કોસાડ – ભરથાણા અને અમરોલીમાં છેલ્લા આઠેક મહિનાથી પાવર કાપ અને પાવર ટ્રીપિંગને પગલે સેંકડો એમ્બ્રોયડરી યુનિટધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીજીવીસીએલના લાલિયાવાડીને કારણે ભારે આર્થિક નુકસાન વેઠનારા યુનિટધારકોની ધીરજનો આજે અંત આવ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે ડીજીવીસીએલની કચેરીએ આ સમસ્યા અંગે રજુઆત કરવા માટે પહોંચ્યો હતો. મોટી સંખ્યામાં યુનિટધારકો દ્વારા ડીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ પાવર કાપથી માંડીને વીજ પુરવઠામાં ટ્રીપિંગને કારણે થઈ રહેલા નુકસાન અંગે રજુઆત કરવા સાથે સમસ્યાના સમાધાન માટે વહેલી તકે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેને પગલે અધિકારીઓ દ્વારા આ અંગે આગામી 20 દિવસમાં સમસ્યા દૂર કરવા અંગેની બાંહેધરી આપવામાં આવી હતી.
શહેરના છેવાડે આવેલા ઉત્રાણ, અમરોલી, છાપરાભાઠા અને કોસાડ સહિતના વિસ્તારોમાં 5 હજારથી વધુ એમ્બ્રોયડરી યુનિટો ધમધમી રહ્યા છે. જો કે, છેલ્લા છથી આઠ મહિનામાં આ વિસ્તારમાં ડીજીવીસીએલના પાપે યુનિટધારકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. વિજળીની સમસ્યાને કારણે યુનિટધારકોના એમ્બ્રોયટરી મશીનોથી માંડીને કોમ્પ્યુટરોને નુકસાન થતાં વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે. એક લાખથી વધુ શ્રમિકોને રોજગાર આપતો આ ઉદ્યોગ છેલ્લા આઠ મહિનાથી સતત પાવર કાપ સહિતની સમસ્યાઓને કારણે આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યો છે. એક જ દિવસમાં ચાર – પાંચ વખત પાવર કાપથી માંડીને પાવર ટ્રીપિંગને કારણે મશીનરીને થઈ રહેલા નુકસાનથી હવે વેપારીઓમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે. અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન ભોગવી ચુકેલા 400થી વધુ વેપારીઓ આજે ડીજીવીસીએલ કચેરીએ સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા.
જ્યાં તેઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરવાની સાથે ડીજીવીસીએલના એન્જીનિયરો સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે ત્યાં સુધી યુનિટધારકોને ભારે આર્થિક નુકસાન વેઠવવું પડશે. અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાથી ત્રાહિમામ વેપારીઓએ અધિકારીઓને વહેલી તકે આ સમસ્યા દુર કરવા માટે ઉગ્ર રજુઆત કરતાં અંતે ડીજીવીસીએલ દ્વારા આગામી 20 દિવસમાં નિયમિત વીજ પુરવઠો પુરો પાડવા અંગેની બાંહેધરી આપતાં અંતે મામલો થાળે પડ્યો હતો.
કોસાડ સબ ડિવિઝન સ્ટેશનની સમસ્યા દૂર કરાશેઃ એમડી યોગેશ ચૌધરી
ડીજીવીસીએલના એમ.ડી. યોગેશ ચૌધરીએ યુનિટધારકોની સમસ્યા અંગે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી આ સમસ્યા ઉદ્ભવી હોવાનું જાણવા મળ્યું છે. વેપારીઓની સમસ્યાને પગલે વહેલી તકે કોસાડ સબ સ્ટેશન ખાતે મેઈન્ટેનન્સની કામગીરીના આદેશ એન્જીનિયરને કરવામાં આવ્યો છે. આગામી 20 દિવસમાં મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં પાવર કાપથી માંડીને વીજ પુરવઠામાં જે ટ્રીપિંગ થઈ રહ્યું છે તેની સમસ્યા નિશ્ચિતપણે દૂર થશે.
Leave a Reply
View Comments