દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સમયની સાથે કદમતાલ મિલાવીને ખેતીમાં અવનવા પ્રયોગો કરી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડ્યા છે. સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ હવે વિદેશી કમલમ (ડ્રેગન ફ્રુટ)ની સફળ ખેતી અપનાવી છે. રાજ્ય સરકારે પણ કમલમના વાવેતરને પ્રોત્સાહન આપતી યોજના અમલી બનાવી આ ખેતીને વેગ આપ્યો છે, ત્યારે ઓલપાડ તાલુકાના અછારણ ગામના ખેડૂત જશવંતભાઈ રામભાઈ પટેલે વિદેશી ડ્રેગન ફ્રુટની આધુનિક તેમજ દેશી ઢબે ત્રણ એકરમાં ખેતી કરી આ વર્ષે પ્રતિ એકરે રૂ.ચાર લાખનો નફો મેળવ્યો છે. ત્રણ એકરમાં બાર લાખનો ચોખ્ખો નફો મેળવીને તેમણે કમલમની ખેતીને નફાકારક બનાવી છે.
ફલક ફ્રુટ ફાર્મ’ નામથી વર્ષ ૨૦૧૭થી કમલમની ખેતી કરી રહેલા જશવંતભાઈ પટેલ કમલમના મબલખ ઉત્પાદનની સાથોસાથ અન્ય ખેડૂતોને આ ખેતી પદ્ધતિ વિષે જાગૃત્ત કરી રહ્યા છે. આ માટે તેમના ફલક ફ્રુટ ફાર્મમાં મુલાકાતે આવનાર ખેડૂતોને તેઓ હોંશેહોંશે જાણકારી આપે છે. અને કોઈ પણ પ્રકારની જરૂરિયાતમાં મદદ કરવા તત્પર રહે છે. અન્ય ખેડૂતોને પણ પરંપરાગત પાકોના સ્થાને નવા વિચાર સાથે નવા પાકો, નવી ખેત પદ્ધતિઓનો પ્રયોગ કરવા પ્રેરે છે. હવે કમલમ માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા માર્ગદર્શન અને આર્થિક સહાય મળે છે, જેનો લાભ મેળવવાનો આ યોગ્ય અને બહેતર સમય હોવાનું તેઓ જણાવે છે.
જશવંતભાઈ BSNLના નિવૃત્ત ડિવિઝનલ એન્જિનીયર છે. હાલ તેઓ નિવૃત્તિજીવનને પ્રવૃત્તિમય બનાવવા સાથે આર્થિક ઉપાર્જન પણ કરી રહ્યા છે. તેમણે વર્ષ ૨૦૧૭ના પ્રથમ વર્ષે પ્રતિ એકર પણ ૩ લાખ નફો મેળવ્યો હતો. કમલમની આધુનિક ખેતીનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડનાર જશવંતભાઈ થાઈલેન્ડ રેડ, થાઈલેન્ડ વ્હાઈટ, ઈન્ડોનેશિયન રોયલ રેડ, વિયેતનામ રેડ, વિયેતનામ વ્હાઈટ, ઓસ્ટ્રેલિયન ગોલ્ડન યેલો, પાલોરા યેલો, રેઈનબો રેડ, જૈના રેડ, ગોલ્ડન યેલો ડ્રેગન એમ ૯ પ્રકારના પ્રિમીયમ વેરાયટીના કમલમનો પોતાના ખેતરમાં ખેતી પ્રયોગ કરી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે
કમલમ ફળનો શરૂઆતનો ઉત્પાદન ખર્ચ ઘણો ઉંચો આવે છે. જેની સામે બાગાયત ખાતા તરફથી કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા બાગાયત સહાયલક્ષી યોજનાઓ હેઠળ સામાન્ય ખેડૂત માટે ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૩ લાખ પ્રતિ હેકટર અને અનુ. જાતિ તથા અનુ. જનજાતિના ખેડૂતો માટે ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ. ૪.૫૦ લાખ પ્રતિ હેકટર સહાય આપવામાં આવે છે. ઉપરાંત, રાજ્ય સરકાર નાના-સિમાંત તથા મહિલા ખેડૂતોને કમલમ સહાયમાં પ્રાધાન્ય આપે છે.
કમલમ ફળની વિશેષતા
કમલમ ફળની લોકપ્રિયતા મુખ્યત્વે તેના આકર્ષક દેખાવ તથા તેના પોષકતત્વો, ઔષધિય તેમજ એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મોને કારણે છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ વધુ માત્રામાં છે. અને આપણી પાચનશક્તિમાં સુધારો કરે છે. કમલમના સેવનથી કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે. ફળ ઉપરાંત તેના બીજ પણ પોષકતત્વો ધરાવે છે, જેમાં સારા પ્રમાણમાં વિટામીન-ઈ અને જરૂરી ફેટીએસિડ્સ હોય છે. ફળોનો આકર્ષક રંગ તેમાં હાજર બેટાલિન અને બિટાસાયનીન તત્વોને કારણે હોય છે.
કમલમ ફ્રુટ સૂકા પ્રદેશ ગરમી અને નબળી જમીનમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે
જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં પણ આ ફળ ખૂબ સારી રીતે ઉગે છે. ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ જામ, જેલી, ફ્રુટ જામ, આઈસ્ક્રીમ, ઉત્પાદનમાં મોટા પાયે થાય છે. કમલમની ખેતી ભારતમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે. સામાન્ય રીતે આ ફળ થાઈલેન્ડ, વિયેતનામ, ઈઝરાયેલ, શ્રીલંકા વગેરે મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ હવે કમલમની ખેતી ભારતના વિવિધ પ્રાંતોમાં ખાસ કરીને ગુજરાતમાં લોકપ્રિય બની છે.
ભારતમાં તેની જરૂરિયાતના ૮૦ ટકા ફળ આયાત થાય છે. કમલમ ફ્રુટ સૂકા પ્રદેશ ગરમી અને નબળી જમીનમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. રાજ્યની જમીન માટે અનુકૂળ હોવાથી આ ફળની ખેતી રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોમાં ઝડપભેર લોકપ્રિય બની રહી છે. તેના સ્વાદ, પોષણ અને ઔષધિય ગુણધર્મોને લીધે કમલમની દેશવિદેશમાં ખૂબ સારી માંગ રહે છે.
Leave a Reply
View Comments