ઓલપાડમાં ડાંગરનો મબલખ પાક ઉતરતાં ખેડૂતોમાં ઉત્સાહ

Enthusiasm among farmers as bumper crop of paddy is harvested in Olpad
Enthusiasm among farmers as bumper crop of paddy is harvested in Olpad

જિલ્લાના ઓલપાડ તાલુકામાં ચાલુ વર્ષે ડાંગરનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થતાં ખેડૂતોની સાથે – સાથે સહકારી મંડળીઓમાં ઉત્સાહ સાતમા આસમાને આસમાને પહોંચ્યો છે. ઉનાળામાં સિંચાઈની સારી સુવિધા મળી રહેવાની સાથે આધુનિક પદ્ધતિ થકી ડાંગરનો મબલખ પાક ઉતરતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ઓલપાડની વિવિધ સહકારી મંડળીઓમાં અત્યાર સુધી 125 કરોડ રૂપિયાની 10 લાખ ગુણ જેટલી ડાંગરના પાકની આવક નોંધાવા પામી છે.

સુરત જિલ્લાના કાંઠા વિસ્તાર તરીકે ઓળખાતા ઓલપાડ તાલુકામાં ડાંગરનું સારૂં ઉત્પાદન થતાં ખેડૂતોનો ઉત્સાહ બેવડાયો છે. કાળઝાળ ગરમીમાં ખેતરોમાં પરસેવે રેબઝેબ ખેડૂતો ડાંગરનો પાક સારો ઉતરતાં હવે રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે. માવઠાં અને વાવાઝોડાની આગાહી વચ્ચે એક તબક્કે ખેડૂતોમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી જોવા મળી હતી. જો કે, તમામ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ ઉકાઈ ડેમમાંથી નિયમિત સિંચાઈનું પાણી મળી રહેતાં ખેડૂતોની મહેનત લેખે લાગી છે.

આ અંગે વધુ માહિતી આપતાં સહકારી અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડમાં આ વર્ષે ડાંગરનો પાક 125 કરોડ રૂપિયાને પાર પહોંચ્યો હોવાને કારણે ખેડૂતોમાં ખુશહાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઓલપાડની દાળિયા, પાલ અને પુરૂષોત્તમ જીનમિલ સહિતની સહકારી સંસ્થાઓમાં 9.73 લાખ ગુણની આવક નોંધાવા પામી છે અને આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવનાર છે ત્યારે સંભવતઃ 20 કિલોએ 400 રૂપિયાનો ભાવ જાહેર થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે ખેડૂતોને મબલખ પાકને કારણે સારી આવક મળી રહેશે.