Surties : પુણામાં રાજમહેલ મોલમાં પોલીસના દરોડા ડુપ્લીકેટ શેમ્પુ, તેલ, ફેસવોશ બનાવવાનું રેકેટ ઝડપાયું : 26 લાખનો મુદ્દામાલ જપ્ત

શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ સીતાનગર ચાર રસ્તા પાસે રાજમહેલ એ.સી.મોલમાં ડુપ્લીકેટ શેમ્પુ, તેલ અને ફેસવોશ સહિતની સામગ્રી બનાવવામાં આવતી હોવાની બાતમી પોલીસને મળી હતી.જે બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. ઠગબાજો ઓફિસની અંદર ડુપ્લીકેટ માલનું ઉત્પાદન કરી હિન્દુસ્તાન યુનીલીવર માઈક્રો રેકીટ બેનકીઝર કંપનીનો ડુપ્લીકેટ માર્કો લગાવી માર્કેટમાં ઓનલાઇન વેચાણ કરતા હતા. આ સમગ્ર કેસમાં આખરે સાઇબર ક્રાઇમ પોલીસે ગોડાઉનમાંથી 26.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મુંબઈ મલાડ મારવે રોડ જયનગર પલ સોસાયટીમાં રહેતા દિપક બાબુલાલ પટેલ (ઉ.વ.45) નેટરીકા કન્સ્લટન્ટ કંપનીમાં દક્ષિણ અને પ્રશ્વિમ ગુજરાતમાં સિનિયર એક્ઝીક્યુટીવ તરીકે આઠ વર્ષથી નોકરી કરે છે.

કંપની અલગ અલગ કંપનીઓ સાથે કરાર કરી તેના કોપીરાઈટ તથા ટ્રેડમાર્કનો ભંગ કરતા ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ કરે છે. દિપકભાઈને ધ્યાન પર એવુ આવ્યું હતું કે સુરતમાં કેટલાક વેપારીઓ તેઓના આર્થિક લાભ માટે હિન્દુસ્તાન યુનીલીવર માઈક્રો રેકીટ બેનકીઝર તથા હોનાસા કન્ઝ્યુમર પ્રા,લી નામના ફેસવોસ, શેમ્પુ, હેર ઓઈલનું ડુપ્લીકેટ ઉત્પાદન કરી બજારમાં ઓનલાઈન વેચાણ કરે છે.

જે અંતર્ગત ગતરોજ તપાસ કરતા પુણાગામ સીતાનગર ચાર રસ્તા રાજમહેલ એસીમોલમાં જેમિલ નરેશ વેલજી ભરોડીયા (રહે, રામેશ્વરમ સોસાયટી વરાછા) અને કેનિલ વિનુ ઝાસોલીયા (રહે, ધારા રેસીડેન્સી મોટા વરાછા) આ કંપનીના ડુપ્લીકેટ પ્રોડ્કટનું ઉત્પાદન કરી તેમની કંપનીના પેટર્ન સીમ્બોલ થતા કલર માર્કાની કોપીરાઈટ કરી ઓનલાઈન વેચાણ કરતા હોવાનુ બહાર આવ્યું હતું. જેથી આખરેક દિપકભાઈએ ગતરોજ પોલીસને સાથે રાખી આ મામલે તપાસ કરતા તેઓની અોફિસમાંથી કુલ રૂપિયા 26,81,170નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે દિપક પટેલની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.