ઝંખના પટેલનું પત્તું કાપીને ટિકિટ મેળવનાર જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ આજે ઉમેદવારી નોંધાવશે

સુરતમાં ભાજપે ચોર્યાસી વિધાનસભા પર ઝંખના બેન ની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે. જેને લઈને વિરોધ પણ સામે આવી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યાં કોળી પટેલોના મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે, અને આ તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ માનવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે ત્યારે ભાજપે જાહેર કરેલી બીજી ઉમેદવારોની યાદી માં ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈ નું નામ જાહેર કર્યું હતું. ભાજપ બે બેઠક છોડી તમામ બેઠક પર રિપિટ ફોર્મુલા અપનાવી હતી. પરંતુ ચોર્યાસી બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલ ની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી.

સંદીપ દેસાઈને ટિકિટ અપાતા આ મામલે વિરોધ પણ સામે આવી રહ્યો છે. નારાજ કાર્યકરો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આ મામલે ચોર્યાસી બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈ ની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેઓએ વધુ કંઈ કહેવાનું ટાળ્યું હતું.

ભાજપમાં ચોર્યાસી બેઠક ઉપર ઝંખના પટેલને કોઈપણ કારણ વગર કાપવામાં આવી રહ્યા હોવાની વાત થી ભાજપમાં પણ હવે અસંતોષ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને ચોર્યાસી બેઠક ના મતદારોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. એક જ ચાલે ઝંખના બેન જ ચાલે.. ના સૂત્રો લાગ્યા હતા. સંદીપ દેસાઈ ના ફોટા ઉપર ચોકડીનું નિશાન મારીને એકત્રિત થયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો છે.

ભાજપમાં ઘણી વખત એવી પણ ચર્ચા થતી હોય છે કે, શિસ્તના નામ પર મોવડી મંડળે લીધેલા નિર્ણયને પડકારવામાં આવતો નથી અને જો કોઈ પડકારવા જાય છે. તો તેની કારકીર્દી ખરાબ થઈ જાય છે માટે પોતાની રાજકીય કારકિર્દી ને ચાલુ રાખવા માટે ભાજપમાં સીધી રીતે કોઈ અન્ય પક્ષો ની જેમ વિરોધ નોંધાવવા જતું નથી. ઝંખના પટેલ ને લઈને હવે ધીરે ધીરે વધુ મામલો ગરમાાઈ રહ્યો છે. રાજા પટેલ કોળી પટેલ સમાજમાં અગ્રણી તરીકેની ભૂમિકા ભજવતા હતા.


તેમના આ વિસ્તારમાં કરેલા કામો ને કારણે તેમની દીકરી ઝંખના પટેલ પણ જ્યારે રાજકારણમાં આવી ત્યારે સ્થાનિક લોકોએ તેને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. તેના કારણે તે ભારે લીડથી જીતતી રહી છે, પરંતુ આ વખતે ભાજપમાં જ વ્હાલા દવલાની નીતિને કારણે ઝંખના પટેલ નું પત્તું કાપવામાં આવી રહ્યું છે. જો આ જ પ્રકારનો કાંઠા વિસ્તારમાં સતત મતદારોનો રોષ જોવા મળે તો ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન પણ સહન કરવું પડી શકે છે.