શહેરના સરથાણા ખાતે આવેલ યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે ઝેરી દવા ગટગટાવી લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ગત મોડી રાત્રે પરિવારના સભ્યો દ્વારા આ આત્યંતિક પગલું ભરવામાં આવતાં આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી પ્રસરી જવા પામી હતી. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં જ પરિવારના સભ્યો અને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક દંપત્તિ સહિત પરિવારના ચારેય સભ્યોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પહેલાં માતા અને પુત્રી બાદ આજે સવારે પુત્રનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે પિતાની હાલત હજી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઉચ્ચાધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના અંગેની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અલબત્ત, એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા આ પ્રકારે જીવન ટુંકાવવાનો નિર્ણય લેવાની ઘટના પાછળ હજી સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર યોગીચોક ખાતે આવેલ વિજય નગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વિનુ ખોળાભાઈ મોરડીયા રત્ન કલાકાર તરીકે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની શારદા અને 25 વર્ષીય પુત્રી સૈનીતા ઉર્ફે ટીના ઘરમાં જ લેસપટ્ટીનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતા હતા. જ્યારે હાલમાં જ ધો. 12ની પરીક્ષામાં પાસ થયેલ 17 વર્ષીય કૃષ મોરડીયા કોલેજમાં અભ્યાસ માટેની તૈયારી હાથ ધરી હતી. ગઈકાલે સાંજે આઠ વાગ્યાના સુમારે મોરડીયા પરિવારના ચારેય સભ્યો સરથાણા બીઆરટીએસ કેનાલ રોડ પર આવેલ દાતાર હોટલ પાસે પહોંચ્યા હતા. જ્યાં વિનુભાઈ સહિત પત્ની અને પુત્રી સહિત પુત્રે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ દરમિયાન વિનુભાઈએ પોતાના પિતરાઈ ભાઈ પ્રવીણભાઈને ફોન કરીને કેનાલ રોડ પર મળવા માટે બોલાવ્યા હતા. જેને પગલે થોડી જ વારમાં પ્રવીણભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ચારેય જણને જમીન પર ઢળી પડેલી હાલતમાં જોઈને તેઓ અવાક્ રહી ગયા હતા. આ અંગે આસપાસના લોકોને પણ જાત થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો.
ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સના પેરા મેડિકલ સ્ટાફ દ્વારા પરિવારના ચારેય સભ્યોની પ્રાથમિક તપાસ કરવાની સાથે તાત્કાલિક પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે સારવાર દરમ્યાન પત્ની શારદા અને પુત્રી સૈનીતાનું મોત નિપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં પુત્ર કૃશ અને પિતા વિનુ મોરડીયા જીવણ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. આજે સવારે કૃષનું પણ મોત નિપજ્યું હતું જ્યારે વિનુભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અગમ્ય કારણોસર એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા સામુહિક આપઘાતના પ્રયાસને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બીજી તરફ વિનુભાઈ મોરડીયાના પરિવારજનો સહિત સમાજમાં પણ આ ઘટનાને પગલે ઘેરો આઘાત પ્રસરી ગયો હતો. મોડી રાત્રે સર્જાયેલ આ સામુહિક આપઘાતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચાધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લો ફોન પિતરાઈ ભાઈને કર્યો
પત્ની અને બે બાળકો સાથે સરથાણા કેનાલ રોડ પર પહોંચેલા વિનુભાઈએ પરિવારના ચારેય સભ્યો સાથે ઝેરી દવા ગટગટાવ્યા બાદ પિતરાઈ ભાઈ પ્રવીણભાઈને ફોન કર્યો હતો. જેમાં તેઓએ પોતાના અન્ય બે બાળકોની સાર – સંભાળ રાખવા માટે જણાવ્યું હતું. આ સાંભળીને એક તબક્કે પ્રવીણભાઈ કંઈ સમજ્યા ન હતા અને વિનુભાઈને મળવા માટે કેનાલ રોડ પર પહોંચ્યા હતા. જ્યાં પહોંચતાની સાથે પ્રવિણભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પોતાના ભાઈ – ભાભી સહિત બન્ને ભત્રીજા અને ભત્રીજી જમીન પર ઢળેલી હાલતમાં નિહાળીને તેઓને કંઈક અજુગતું થયું હોવાનો અહેસાસ થઈ ચુક્યો હતો. જેને પગલે તેઓએ તાત્કાલિક આ અંગે આસપાસના લોકોને જાણ કરીને પરિવારના તમામ સભ્યોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
બે બાળકો માસીને ત્યાં હોવાથી બચાવ
વિજયન નગર સોસાયટીમાં રહેતા વિનુભાઈ મોરડીયા અને તેમની પત્ની શારદાને ચાર બાળકો હતો. જૈમાં સૌથી મોટી પુત્રી સૈનીતા અને ત્યારબાદ પુત્રી રૂચિતા, પુત્ર કૃશ અને પાર્થનો સમાવેશ થાય છે. જો કે, આ ચારેય બાળકો પૈકી પુત્રી રૂચિતા અને પુત્ર પાર્થ ઘરની પાસે જ રહેતા માસીને ત્યાં ગયા હોવાને કારણે તેમનો બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અલબત્ત, વિનુભાઈએ મોબાઈલ ફોન પર પિતરાઈ ભાઈ પ્રવિણ સાથે વાતચીતમાં પણ રૂચિતા અને પાર્થનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું.
આર્થિક સંકળામણ હોવાની આશંકા
એક જ પરિવારના ચાર સભ્યોના સામુહિક આપઘાતના પ્રયાસમાં માતા સહિત બે બાળકોના મોતને પગલે આસપાસના વિસ્તારમાં ગમગીની પ્રસરી જવા પામી છે. રત્ન કલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં વિનુ મોરડીયા અને પત્ની તથા પુત્રી ઘરમાં લેશ પટ્ટીનું કામ કરીને આર્થિક મદદ કરતાં હોવા છતાં આર્થિક સંકડામણને કારણે મોરડીયા પરિવાર દ્વારા આત્યંતિક પગલું ભરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરના સિહોર તાલુકાના મુળ વતની આ પરિવારની આપઘાતની ઘટનાને પગલે સિહોરમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
Leave a Reply
View Comments