Surties : મોડી રાત્રે બે દરગાહ અને એક મંદિરનું ડિમોલીશન, રિંગરોડ પર ટ્રાફિક અને છાશવારે અકસ્માતોને પગલે કરાઈ કામગીરી

મંદિર અને દરગાહના ડિમોલીશન દરમ્યાન કાટમાળ હટાવવાની સાથે સાથે સવારે ચાર વાગ્યા સુધીમાં તો આ સ્થળ પર રસ્તા પણ બનાવી દેવામાં આવ્યા હતા.
Demolition of two dargahs and a temple late at night
Demolition of two dargahs and a temple late at night

શહેરના રિંગરોડ(Ring Road ) પર આવેલ બે દરગાહ અને એક મહાકાળી માતાજીના મંદિરનું (Temple ) મહાનગર પાલિકા દ્વારા રાતોરાત ડિમોલીશન(Demolition ) કરી દેવામાં આવ્યું છે. દાયકાઓ જુના આ ધર્મ સ્થાનો રિંગરોડ પર ટ્રાફિકમાં અડચણ રૂપ સાબિત થતાં અને છાશવારે દુર્ઘટનાઓને પગલે મનપા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા પણ રાત્રે 11 વાગ્યાથી જ સમગ્ર રિંગરોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ વિરોધની આશંકાને પગલે મહિધરપુરા અને સલાબતપુરા પોલીસ દ્વારા દરગાહના મુંજાવર અને કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલા સહિત આઠેક જણાની અટકાયત કરવામાં આવી હતી.

ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા શહેરના રિંગરોડ પર છેલ્લા ઘણા સમયથી બે દરગાહ અને એક મંદિરને કારણે છાશવારે અકસ્માતથી માંડીને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી. જો કે, ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન દરગાહ અને મંદિરના ડિમોલીશન માટે અંતે મહાનગર પાલિકા દ્વારા મક્કમમને નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગઈકાલે મોડી રાત્રે આ ત્રણેય ધર્મ સ્થાનોના ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ગોલ્ડન પોઈન્ટ પાસે ફ્લાયઓવર બ્રિજને અડીને આવેલ મહાકાળી માતાના મંદિર તથા એપીએમસી જુના ફુલ બજાર સામે આવેલ દરગાહ સહિત વણકર સંઘ સામે આવેલ દરગાહના ડિમોલીશન માટે ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી હતી. અલબત્ત, ધાર્મિક સ્થળોના ડિમોલીશનને પગલે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની સેન્ટ્રલ ઝોન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. મળસ્કે ચાર વાગ્યા સુધી આ ત્રણેય ધર્મ સ્થળોના ડિમોલીશનની કામગીરી પૂર્ણ થયા બાદ મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો હતો. આ દરમ્યાન પોલીસ દ્વારા સમગ્ર રિંગરોડ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

રસ્તાની વચ્ચોવચ્ચ આવેલ બન્ને દરગાહ અને મંદિર છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો માટે અડચણરૂપ સાબિત થઈ રહ્યા હતા. ખાસ કરીને વણકર સંઘ સામે અને એપીએમસી માર્કેટ સામે આવેલ બન્ને દરગાહોને પગલે આ વિસ્તારોમાં નિયમિત ટ્રાફિક જામથી માંડીને છાશવારે થતાં અકસ્માતો વહીવટી તંત્ર માટે સિરદર્દ સાબિત થઈ રહ્યા હતા. જેને પગલે મહાનગર પાલિકા દ્વારા આ ધર્મ સ્થાનોના ડિમોલીશન માટે છેલ્લા ઘણા સમયથી કવાયત હાથ ધરવામાં આવી હતી.

એક હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત

રિંગરોડ પર આવેલ બે દરગાહ અને મહાકાલી માતાજીના મંદિરના ડિમોલીશનની કામગીરી અત્યંત સંવેદનશીલ હોવાને કારણે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. રાત્રે લગભગ 11 વાગ્યાથી જ સમગ્ર રિંગરોડ વિસ્તારમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ રિંગરોડ પર ગોલ્ડન પોઈન્ટથી માંડીને કિન્નરી ટોકિઝ સુધીના તમામ પોઈન્ટ પર બેરિકેડ સાથે એક હજાર પોલીસ જવાનોનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અલબત્ત, પાંચેક કલાક સુધી ચાલેલી ડિમોલીશન અને રસ્તો બનાવવાની કામગીરી દરમ્યાન આખેઆખો રિંગરોડ જ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ સહિત ત્રણ ઝોનની ટીમ દ્વારા કામગીરી

રિંગરોડ પર ટ્રાફિક અને અકસ્માતોને કારણે છાશવારે વહીવટી તંત્ર માટે માથાનો દુઃખાવો સાબિત થતાં આ ધર્મ સ્થળોના ડિમોલીશન માટે મહાનગર પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી હતી અને તેના ભાગરૂપે જ ગઈકાલે આ ભગીરથ કામગીરી પૂર્ણ કરવામાં વહીવટી તંત્રને સફળતા સાંપડી હતી. બન્ને દરગાહ અને મંદિરના ડિમોલીશન સાથે તાત્કાલિક રસ્તો બનાવવાની કામગીરી દરમ્યાન મનપાના સેન્ટ્રલ ઝોન સહિત વરાછા ઝોન – એ અને ઉધના ઝોન – એની અલગ – અલગ ટીમો દ્વારા આખીરાત ખડે પગે કામગીરી કરવામાં આવી હતી. મંદિર અને દરગાહના ડિમોલીશન દરમ્યાન કાટમાળ હટાવવાની સાથે સાથે સવારે ચાર વાગ્યા સુધીમાં તો આ સ્થળ પર રસ્તા પણ બનાવી દેવામાં આવ્યા હતા.