ડિંડોલી વિસ્તારની એક ગર્ભવતીને ગઈ કાલે સવારે પ્રસુતિ પીડા ઉપડતા પરિવારજનો પાંડેસરાની સેવા હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં સિઝેરિયન ડિલિવરી થકી તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો જોકે વધુ પડતું લોહી વહી જતા અને તબિયત વધુ બગડતા ગત રાત્રે પરિવારજનો તેણીને સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોનો આક્રોશ સાતમા આસમાને પહોંચી ગયો હતો અને સેવા હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના આક્ષેપો કરી સ્મીમેર હોસ્પિટલમાં ભેગા થયેલા ટોળાએ ત્યાં હાજર સેવા હોસ્પિટલના ટ્રસ્ટી સાથે ઝપાઝપી કરી મારમારી કરતા ભારે હોબાળો મચી ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલ સનસિટી રો-હાઉસમાં રહેતા એકનાથભાઈ પાટીલ ગેસ એજન્સીમાં કામ કરે છે.તેમને એક સંતાન છે અને હાલમાં તેમના પત્ની દિપાલીબેન (ઉ.વ.22 ) ગર્ભવતી હતા.ગઈ કાલે સવારે તેમને પ્રસુતિની પીડા થવા લાગી હતી જેથી પતિ સહીત પરિવારજનો અગ્યારેક વાગ્યાના સુમારે પાંડેસરા દક્ષેશ્વર મન્દીર સામે આવેલ સેવા હોસ્પ્ટિલમાં લઇ ગયા હતા.જ્યા ડોક્ટર દ્વારા સીઝર કરી ડિલિવરી કરાવવામાં આવી હતી અને તેમને એક બાળકીને જન્મ આપ્યો હતો.પરિવારજનોએ જણાવ્યું હતું કે નવજાત બાળકીને સિવિલ હોસ્પ્ટિલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યારે દિપાલીબેન સેવા હોસ્પ્ટિલમાં જ હતા અને ડો.જશવંત સુથાર દ્વારા તેમની ડિલિવરી કરાવવામાં આવી હતી.
રાત્રે તેમની તબિયત વધુ બગડતા સ્મીમેર હોસ્પ્ટિલમાં ખસેડાયા હતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.જેના લીધે પરિવારમાં ગમગીની છવાઈ જવાની સાથે ડોક્ટરની બેદરકારીના આક્ષેપો કરી આક્રોશ ફાટી નીકળ્યો હતો.સ્મીમેરમાં હોસ્પ્ટિલમાં મૃતકના સગાનો ટોળું ભેગું થઇ ગયું હતું અને ભારે હોબાળો કરવા લાગ્યા હતા.એટલુંજ સાથે સ્મીમેર હોસ્પિટલમાં આવેલા સેવા હોસ્પ્ટિલના ટ્રસ્ટી સુભાષ રાવલ સાથે મારપીટ કરવા લાગ્યા હતા જેના પગલે હોબાળો થવા લાગતા માર્શલ સિક્યુરિટી ગાર્ડનો કાફલો ત્યાં ધસી આવ્યો હતો અને ભારે સમજાવટ બાદ તમામને શાંત કરાવવામાં આવ્યો હતો.તેમજ મૃતદેહ પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો.પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
ડોકટરે નસ કાપી નાખતા આખું બેડ લોહીથી લથબથ થઇ ગયું હતું
મૃતક દિપાલીબેનના બનેવી સુનિલભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આ કેસમાં ડોક્ટરની ગંભીર બેદરકારી છે.ડોકટરે કોઈ નસ કાપી નાખતા સતત લોહી વહેવા લાગ્યું હતું.તેમનું લોહી એટલું વહી ગયું હતું કે આખું બેડ લોહીથી લથબથ થઇ ગયું હતું અને જયારે તેમની તબિયત વધુ બગડી ત્યારે જે ડોક્ટરે ડિલિવરી કરાવી હતી તે પણ ભાગી ગયો હતો.
અમારી કોઈ ભૂલ નથી
સેવા હોસ્પિટલના ટ્રસ્ટી સુભાષભાઈ રાવળે જણાવ્યું હતું કે આ કેસમાં અમારી કે ડોક્ટરની કોઈ ભૂલ નથી.દર્દીને હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યારથી જ લોહી વહી રહ્યું હતું.લોહી વધારે વહી જવાથી અથવા હિમોગ્લોબીન ઓછું થવાથી તેમની મોત થઇ હશે.બાકી અમારા તરફથી કોઈ પ્રકારની બેદરકારી દાખવવા આવી નથી.જે ડોક્ટર દવારા ડિલિવરી કરાવવામાં આ આવી હતી તેઓ શહેરના એક સારા ડોક્ટર છે.
Leave a Reply
View Comments