Cricket IND/WI : આજે બીજી વન ડે મેચમાં ધવન રેકોર્ડ બનાવવાથી ફક્ત બે કદમ દુર, ઐયરને પણ મળી શકે છે આ ખાસ ઉપલબ્ધી

ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ રવિવારે રમાશે. શિખર ધવન અને શ્રેયસ અય્યર આ મેચમાં ખાસ સિદ્ધિ નોંધાવી શકે છે. ધવન પાસે વનડે કરિયરમાં 800 ચોગ્ગા પૂરા કરવાની તક છે. જ્યારે અય્યર 100 ચોગ્ગા પૂરા કરી શકે છે. ધવને પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કરતા 97 રન બનાવ્યા હતા. જ્યારે અય્યરે અડધી સદી ફટકારી હતી.

ધવને વનડે શ્રેણીની પ્રથમ મેચમાં 99 બોલમાં 97 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ધવને વનડે ફોર્મેટમાં 798 ચોગ્ગા ફટકાર્યા છે. આ દરમિયાન તેણે 153 મેચમાં 6422 રન બનાવ્યા છે. ધવન પાસે હવે 800 ચોગ્ગા પૂરા કરવાની તક છે. જો તે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં બે ચોગ્ગા ફટકારે છે તો તે ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે.

અય્યર વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 57 બોલમાં 54 રન બનાવ્યા હતા. અય્યરની ઇનિંગ્સમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી. હવે તેની પાસે વનડેમાં 100 ચોગ્ગા પૂરા કરવાની તક છે. જો અય્યર બીજી વનડેમાં બે બાઉન્ડ્રી ફટકારશે તો તે આ ખાસ સિદ્ધિ હાંસલ કરશે. તેણે 28 વનડે મેચોમાં 98 ચોગ્ગા ફટકાર્યા છે.