Surties Video : મેટ્રોની નબળી કામગીરીનું પરિણામ : લંબે હનુમાન પાસે ભૂવો પડતા રસ્તો જોખમી બન્યો

Consequences of Metro's Poor Performance: Landslides near Lambe Hanuman made the road dangerous
Consequences of Metro's Poor Performance: Landslides near Lambe Hanuman made the road dangerous

સુરત માં ચાલતી મેટ્રોની કામગીરીને કારણે ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે તેવો મેટ્રોનો દાવો પોકળ નીવડ્યો છે. મેટ્રો દ્વારા કામગીરી પુરી કર્યા બાદ યોગ્ય પુરાણ કે વોટરીંગ ન કરતા લંબે હનુમાન રોડ વિરાટ નગર થી સાગર સુધી રોડ લોકો માટે જોખમી બની ગયો છે. આ વિસ્તારમાં મેટ્રોની કામગીરી પુરી થઈ અને ચાર દિવસ પહેલા જ રોડ બનાવ્યો હતો તેમાં મોટા ભુવા પડી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે, આ કામગીરી મેટ્રોની છે તેથી પાલિકાએ મેટ્રોના અધિકારી સાથે બેઠક કરીને આ ક્ષતિ તાત્કાલિક દુર કરવા માટે સૂચના આપી છે.

સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે પરંતુ કામગીરી દરમિયાન અનેક જગ્યાએ વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ હવે સામાન્ય થઈ પડી છે. જોકે, હાલમાં મેટ્રોના અધિકારીઓએ મેટ્રોની કામગીરી સલામત રીતે થાય છે અને ચોમાસા દરમિયાન કામગીરી ચાલુ રહેશે અને સુરતીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવો દાવો કર્યો હતો. પરંતુ મેટ્રો દ્વારા કરવામાં આવતી કામગીરી ઘણી જગ્યાએ નબળી હોવાથી સુરતની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે.

હાલમાં મેટ્રો દ્વારા કાપોદ્રા થી રેલવે સ્ટેશન સુધીના અન્ડર ગ્રાઉન્ડ રુટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દરમિયાન થોડા સમય પહેલાં જ વરાછા ઝોનમાં આવેલા લંબે હનુમાન રોડ થી વિરાટ નગર સુધીના રોડ પર કામગીરી કરી હતી અને ચાર દિવસ પહેલા કામગીરી પુરી થતાં રોડ પણ બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ રોડ બનાવવા પહેલા વોટરિંગ અને પુરાણની કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાથી આજે સવારથી આ રોડ પર અનેક જગ્યાએ મોટા ભુવા પડી ગયા છે. આવા ભુવા ના કારણે વાહન ચાલકો સામે ખતરો ઉભો થવા સાથે લોકોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે.

જે રોડ પર ભુવા પડ્યા છે તે વિસ્તારમાં નાના મોટા વાહનોની અવરજવર ઉપરાંત નજીકમાં જ સ્કુલ પણ આવી છે તેથી આ ભુવાના કારણે વાહનચાલકો સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ મોટો ખતરો છે. આ અંગેની ફરિયાદ બાદ પાલિકા તંત્ર પણ દોડતું થયું છે પાલિકાએ મેટ્રોના અધિકારીઓ સાથે વાત કરીને આ ભુવા પુરવાની અને યોગ્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવા માટે સુચના પણ આપી છે. જોકે, મેટ્રોના અધિકારીઓ સ્થાનિક તંત્ર કે રાજકારણીઓને ગણતા ન હોવાથી છાસવારે આવી ઘટના બનતી રહે છે.

જુઓ વિડીયો :