Gujarat : ચૂંટણી પરિણામો પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધા મા અંબાના આશીર્વાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં જિલ્લા કક્ષાએ મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને અન્ય જિલ્લાઓની તમામ બેઠકો માટે ગુરુવારે મતગણતરી હાથ ધરાશે. આ માટે ચૂંટણી પંચે સુરક્ષા વ્યવસ્થા કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા માતાજીના શરણમાં પહોંચ્યા હતા અને મા અંબાના આશીર્વાદ લીધા હતા.

મંદિર ટ્રસ્ટે કુમકુમ તિલક લગાવીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે મતદાન થઈ ગયું છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે પરિણામ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાના ધામમાં પહોંચી ગયા હતા. મંદિર ટ્રસ્ટે કુમકુમ તિલક લગાવીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. સીએમ તેમની પત્ની અને પરિવાર સાથે અંબાના દ્વારે પહોંચ્યા હતા અને ભાજપની જીત માટે શુભેચ્છા પાઠવી હતી.
અંબાજી મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલે પરિવાર સાથે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં માથું ટેકવી આશીર્વાદ મેળવ્યા હતા, ભટ્ટજી મહારાજે રક્ષા પોટલી બાંધી આશીર્વાદ આપ્યા હતા. મુખ્યમંત્રીએ અહીં માતાજીની પૂજા અર્ચના કરી હતી અને પૂજા અર્ચના કર્યા બાદ મંદિરમાં ધ્વજારોહણ કર્યું હતું. પોતાના મંદિરમાં પૂજા કરવાની સાથે કપૂરથી આરતી કરી અંબાના આશીર્વાદ લીધા હતા. ભટ્ટજી મહારાજે ભૂપેન્દ્ર પટેલને ચૂંદડી ઓઢાડીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. સાથે જ માતાજીના શિખર પર ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 8 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. રાજ્યમાં જિલ્લા કક્ષાએ મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ ગુરુવારે શહેર-જિલ્લાની 21 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને છેલ્લી ચૂંટણીમાં એક લાખથી વધુ મતોથી જીત્યા હતા.